મહિલાને ગર્ભપાતનો અધિકાર, પતિનો યૌન હુમલો એ બળાત્કારઃ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારો માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બધી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે, પછી એ વિવાહિત હોય કે અવિવાહિત- બધી મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાતની હકદાર છે. વાસ્તવમાં અત્યાર સુધી વિવાહિત મહિલાઓને જ 20 સપ્તાહથી વધુ અથવા 24 સપ્તાહથી ઓછા સમય સુધી ગર્ભપાતનો અધિકાર હતો, પણ કોર્ટના આ ચુકાદા પછી અવિવાહિત મહિલાઓને પણ આ સમયમર્યાદા સુધી ગર્ભપાત કરાવવાનો અધિકાર હશે. આ ચુકાદો જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની ખંડપીઠે આપ્યો હતો.

કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે પતિ દ્વારા યૌન સંબંધ બનાવવો એ બળાત્કારની શ્રેણીમાં આવશે. જે પત્નીઓએ પતિ દ્વારા જબરદસ્તી બનાવવામાં આવેલા યૌન સંબંધ પછી ગર્ભધારણ કર્યો છે તો એ મામલો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી રૂલ્સ નિયમ 3 B (a) હેઠળ યૌન ઉત્પીડન અથવા બળાત્કારના દાયરામાં આવે છે, એમ કોર્ટે કહ્યું હતું.

કોર્ટે કહ્યું હતું કે ગર્ભપાત માટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ હેઠળ પતિ દ્વારા વગર સંમતિએ યૌન સંબંધ બનાવવાને મેરિટલ રેપના અર્થમાં સામેલ કરવો જોઈએ.

શું છે મામલો?

એક 25 વર્ષીય અવિવાહિત મહિલાએ દિલ્હી હાઇકોર્ટમાં 23 સપ્તાહ અને પાંચ દિવસોના ગર્ભપાત કરાવવાની માગ સાથે એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં મહિલાએ કહ્યું હતું કે એની સહમતીથી એને ગર્ભાવસ્થા થઈ છે, પણ લગ્ન થવાને કારણે તે બાળકને જન્મ નથી આપી શકતી. મહિલાએ જણાવ્યું હતું કે તેના પુરષ સાથીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.