શું અપક્ષો બગાડશે ભાજપ કોંગ્રેસનો ખેલ?: CMપદને લઈને ખેંચતાણ

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ભાજપમાં બધું સમુંસૂતરું નથી લાગી રહ્યું. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં CMપદને લઈને ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઇન્દ્રજિત સિંહની નજર CMપદની ખુરશી પર છે. ભાજપમાં ટિકિટ વહેંચણીની સાથે પક્ષમાં આંતરિક કલહના અહેવાલ છે.

ગુરુગ્રામથી ભાજપના રાવ ઇન્દ્રજિત સિંહે તેમના આઠ સમર્થકોને ટિકિટ અપાવી છે. તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમના પાલામાં ગુરુગ્રામ, પટૌડી, સોહના, રેવાડી, કોસલી, બાવલ, અટેલી અને નારનૌલની સીટો આવી છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ સર્વેને આધારે ઉમેદવારોને ટિકિટ આપી છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સાવિત્રી જિંદાલે હિસ્સાર સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું છે. સાવિત્રી જિંદાલ ભાજપના સાંસદ નવીન જિંદાલનાં માતા છે.  તેમના આ પગલાથી ભાજપના ઉમેદવાર ડો. કમલ ગુપ્તાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ગુપ્તા પહેલેથી પાર્ટીની અંદર બળવાનો સામનો કરી રહ્યા છે. ભાજપના ટિકિટ પર હિસ્સાર નગર નિગમના મેયર બનેલા ગૌતમ સરદાના અને ભાજપના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ તરુણ જૈને અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું છે.બીજી બાજુ, રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોર નેતાઓ રાજકીય પક્ષોની મુશ્કેલી વધારી દીધી છે. સૌથી વધુ મુશ્કેલી કોંગ્રેસ અને ભાજપને કરવો પડી રહ્યો છે. કોંગ્રેસને આશા છે કે ભાજપને સત્તાથી બહાર કરવામાં પક્ષ સફળ થશે, પરંતુ ટિકિટ વહેંચણી પછી કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા એ-એક કરીને પાર્ટી છોડી રહ્યા છે.