ચેન્નાઈઃ ચંદ્રયાન-3 માટે આવતા 14 દિવસ ખૂબ મહત્ત્વના છે. ગઈ કાલે ચંદ્રમાની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ હવે સૌની નજર પ્રજ્ઞાન રોવર પર છે. બધી જ પરિસ્થિતિ સામાન્ય થયા બાદ તે ચંદ્રની ધરતી પર ચાલવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, વિક્રમ લેન્ડરની અંદર મૂકવામાં આવેલું રોવર પ્રજ્ઞાન હવે બહાર આવી ગયું છે.
રોવર અને લેન્ડર તરફથી ઈસરોના વૈજ્ઞાનિકોને જે માહિતી મળશે તે આવતા 14 દિવસ માટે જ હશે. કારણ કે ચંદ્ર ગ્રહને આ સમયગાળા દરમિયાન પૂર્ણ પ્રકાશ મળશે. લેન્ડર અને રોવર આ 14 દિવસમાં સંપૂર્ણપણે સક્રિય રહીને ઈસરો મુખ્યાલયને માહિતી મોકલશે.
14 દિવસ પછી ચંદ્ર પર રાત થશે. તે રાત એક દિવસની નહીં હોય પણ 14 દિવસોની હશે. રાત પડતાં જ ચંદ્ર પર અતિશય ઠંડી પડે છે. વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર પ્રકાશમાં જ કામ કરી શકે છે. તેથી 14 દિવસો બાદ તે નિષ્ક્રિય થઈ જશે. ઈસરોના વૈજ્ઞાનિકોએ સૂરજ ઊગ્યા બાદ ચંદ્રમા પર વિક્રમ અને પ્રજ્ઞાન દ્વારા કામ કરવાની શક્યતાને નકારી નથી. ધારો કે 14 દિવસ બાદ પણ વિક્રમ અને પ્રજ્ઞાન સલામત રહીને કામ કરશે તો ભારતના ચંદ્ર-મિશન માટે એ બોનસ સાબિત થશે.
શું ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું આવી જશે?
ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું આવી જાય એવું લાગતું નથી. એવું બની શકે કે વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરી શકશે નહીં, પરંતુ તે ચંદ્ર પર જ રહેશે. ચંદ્રયાન-3નું કૂલ વજન 3,900 કિલોગ્રામ છે. પ્રોપલ્શન મોડ્યૂલનું વજન 2,148 કિલો અને લેન્ડર મોડ્યૂલનું વજન 1,752 કિલો છે. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર રાસાયણિક સંરચના, માટી અને ખડકોની ચકાસણી કરશે. તે ધ્રુવીય ક્ષેત્ર નજીક ચંદ્રની સપાટી પર આયર્ન અને ઈલેક્ટ્રોન્સના ઘનત્વ તથા થર્મલ ગુણોનું પરીક્ષણ પણ કરશે. ચંદ્રના આ ભાગ પર આજ સુધી કોઈ દેશનું અવકાશયાન જઈ શક્યું નથી. આ પહેલી જ વાર ભારતીય યાન પહોંચ્યું છે.