નવી દિલ્હીઃ નવી એજ્યુકેશન પોલીસીના ત્રિભાષા ફોર્મ્યુલામાં હિંદીની અનિવાર્યતાને લઈને વિરોધ બાદ કેન્દ્ર સરકારે આ પ્રાવધાનને હટાવી દીધું છે. ત્રિભાષા ફોર્મ્યુલા એક બાજુ હિંદી સામે ક્ષેત્રીય ભાષા અને બીજી બાજુ હિંદી સામે અંગ્રેજીની જંગમાં અટવાયેલું લાગે છે. કદાચ આ જ કારણ છે, કે સરકારો કોઈ વિવાદમાં પડવાની જગ્યાએ આમાં ન પડવાનું જ યોગ્ય માન્યું છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2017માં રાષ્ટ્રીય શિક્ષા નીતિ તૈયાર કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું હતું, જેણે 31 મેના રોજ પોતાનો ડ્રાફ્ટ સોંપ્યો હતો. આ ડ્રાફ્ટને સરકારે સામાન્ય લોકોની ભલામણ અને સુઝાવો માટે સાર્વજનિક કર્યો હતો. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષા મંત્રાલય કરવા સીવાય ડ્રાફ્ટમાં ત્રિભાષા ફોર્મ્યુલાની ભલામણ મહત્વપૂર્ણ હતી. આમાં ભલામણ કરવામાં આવી હતી કે ગેર-હિંદી ભાષી રાજ્યોમાં પણ અંગ્રેજી, સ્થાનીય ભાષા સીવાય હિંદીની શીક્ષા પણ અનિવાર્ય કરવામાં આવે. આના પર તમિલનાડુની પાર્ટીઓ ડીએમકે અને એઆઈએડીએમકેએ તીખો વિરોધ કર્યો. ત્યારબાદ સરકારે આ ડ્રાફ્ટમાં બદલાવ કરતા કહ્યું કે અમારી નીતિ હિંદીને થોપવાની નથી.
નવી શિક્ષણ નીતિ કમિટીએ જે ડ્રાફ્ટ સોંપ્યો હતો, તેમાં છાત્રોના શાળાના શિક્ષણ દરમિયાન હિંદી, અંગ્રેજી અને એક સ્થાનિક ભાષા ભણાવવાનો પ્રસ્તાવ હતો. પરંતુ આના વિરોધ બાદ સરકારે જે બદલાવ કર્યો છે, તે અનુસાર વિદ્યાર્થીઓ પાસે એ સુવિધા હશે કે તેઓ છઠ્ઠા ધોરણમાં ત્રણ પૈકી કોઈ એક ભાષા છોડી શકે. આમાં હિંદી છોડવાનો વિકલ્પ પણ સમાવિષ્ઠ છે. શાળાના શિક્ષણમાં વિષય તરીકે હિંદીને સમાવિષ્ટ કરવું તે દક્ષિણ ભારતીય રાજ્યોમાં ભાવનાત્મક મુદ્દો રહ્યો છે. ખાસકરીને તમિલનાડુમાં આનો ખાસો વિરોધ રહ્યો છે. રાજ્યમાં 1937 થી 1940 સુધી અને પછી 1965માં હિંદીના વિરોધમાં આંદોલનો થયા હતા.