નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો એક નવો વીડિયો આવતા તેઓ ફરીથી વિવાદમાં ફસાયા છે. મમતા બેનર્જીનો આ વીડિયો ઉત્તર 24 પરગના જિલ્લાનો છે. જેમાં કેટલાંક લોકો તેમની આસપાસ ‘જય શ્રીરામ’ના નારા લગાવતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં સૂત્રોચ્ચાર બાદ મમતા બેનર્જી લોકોને ધમકાવતા દેખાઇ રહ્યા છે અને તે લોકોને બહારી અને ભાજપના બદમાશ ગણાવતા દેખાઇ રહ્યા છે.
ગુરૂવારના રોજ મમતા બેનર્જી પોતાના પાર્ટી કાર્યકર્તાઓની સાથે હિંસક ઝડપની વિરૂદ્ધ એક ધરણામાં ભાગ લેવા માટે નૈહાટી જઇ રહ્યા હતા. ત્યારે કેટલાંક લોકો તેમના કાફલા સામે આવી ગયા અને જયશ્રીરામના નારા લગાવા લાગ્યા. મમતા તેમનાથી નારાજ થઇ ગયા અને તરત ગાડીમાંથી ઉતરીને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો પર બૂમાબૂમ કરવા લાગ્યા.
મમતા બેનર્જીએ બૂમો પાડતા કહ્યું, ‘અહીં આવો…હિંમત છે તો સામે આવો…મને ફેસ કરો…ભાજપના ગુંડાઓ…અહીં તમે લોકો અમારા લીધે જ રહો છો. તમારા જેવા લોકોને અહીંથી ભગાડી પણ શકું છું. તમે લોકો બધા બદમાશ લોકો છો. તમારા લોકોની હિંમત કંઇ રીતે થઇ મારા કાફલા પર હુમલો કરવાની. હું તમારા લોકોની ચામડી ઉખાડી દઇશ. બધા લોકોના નામ જોઇએ જે ઉપદ્રવ કરી રહ્યા હતા. એક એક ઘરની તપાસ થવી જોઇએ.
ત્યારબાદ મમતાનો કાફલો થોડોક દૂર આગળ વધતા ફરી એક વખત જયશ્રીરામના નારા લાગવા લાગ્યા. મમતા ફરીથી ઉતર્યા અને બૂમો પાડવા લાગ્યા. તેમણે કહ્યું, ‘અહીં આવો…હિંમત છે તે સામે આવો બદમાશો…હું મારી ગાડીમાં જઇ રહી હતી…ત્યારે આ ભાજપના ગુંડાઓએ મને ગાળો આપવાનું શરૂ કરી દીધું. આ બધા બહારના લોકો છે. તેમાં કોઇપણ બંગાળનો લોકલ વ્યક્તિ નથી.’
આની પહેલાં પશ્ચિમી મિદનાપુર જિલ્લાના ચન્દ્રકોનામાં મમતા બેનર્જી ‘જય શ્રીરામ’ના સૂત્રોચ્ચાર કરનારા લોકો પર ભડકયા હતા. ત્યારે મમતા ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.