મુંબઈઃ વિશ્વ હિન્દુ પરિષદ અને તેની યુવા પાંખ બજરંગ દળ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આવતી 9 મેએ આખા દેશમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 10 મેના બુધવારે કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.
વીએચપી અને બજરંગ દળે આ નિર્ણય કોંગ્રેસ પાર્ટીએ કરેલી એક જાહેરાતના જવાબમાં લીધો છે. કોંગ્રેસે ગયા અઠવાડિયે કર્ણાટક ચૂંટણી વિશે રિલીઝ કરેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે જાતિ અને ધર્મના નામે સમુદાયોમાં ઝનૂનની લાગણી ફેલાવનાર વ્યક્તિઓ અને સંગઠનો-સંસ્થાઓ સામે તે કડક અને નિર્ણાયક પગલું ભરશે. ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું છે કે બજરંગ દળ, પીએફઆઈ કે અન્ય સંગઠનો કે વ્યક્તિઓ સમાજમાં દ્વેષ કે ઝનૂનને ઉત્તેજન આપીને કાયદો તથા બંધારણની પવિત્રતાનું ઉલ્લંઘન કરી શકે નહીં. પછી આ સંગઠનો-સંસ્થાઓ કે વ્યક્તિઓ ભલે બહુમતી સમાજના હોય કે લઘુમતીઓના. અમે કાયદા અંતર્ગત એવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવા સહિતના પગલાં લઈશું.
વીએચપીના મહામંત્રી મિલિંગ પરાંડેનું કહેવું છે કે હનુમાન ચાલીસાના રાષ્ટ્રવ્યાપી પઠનનો કાર્યક્રમ યોજવાનો હેતુ એ છે કે બજરંગ બલી (હનુમાનજી) કોંગ્રેસ તથા અન્ય સંગઠનો અને કાર્યકર્તાઓને સદ્દબુદ્ધિ આપે જેઓ ત્રાસવાદીઓ, ભારત-વિરોધી તત્ત્વો, હિન્દુ-વિરોધી માનસિકતા ધરાવનારાઓને સમર્થન આપે છે અને ઉત્તેજન આપે છે.
