લખનઉ- દલિતોની સમાન જ સામાજિક સંરચના ધરાવતી અતિ પછાત જાતિઓને અનુસુચિત જાતિનો દરજ્જો આપવાની માગ દાયકાઓથી થઈ રહી છે. સમય સમય પર સરકારોએ આ મામલે પ્રયત્નો પણ કર્યા પરંતુ હાલ યોગી સરકારે તકનો લાભ ઉઠાવીને આ મામલે મોટો નિર્ણય લીધો છે.
યુપીમાં યોગી આદિત્યનાથની સરકારે એક મોટું પગલું ભરતાં 17 ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં સામેલ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આ નિર્ણય યુપીના રાજકારણની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે.
યુપી સરકારે જે જાતિઓને એસસી કેટેગરીમાં સામેલ કરી છે તેમાં કશ્યપ, કુંભાર, મલ્લાહ, નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, ભર, ધીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ, રાજભર, કહાર, કુંભાર, ધીમર, માંઝી, તુરહા, ગૌડ વગેરનો સમાવેશ થાય છે. જિલ્લા અધિકારીઓને આ અંગે નિર્દેશ અપાયાં છે કે આ લોકોને જાતિ સર્ટિફિકેટ આપવામાં આવે.
યુપીની યોગી સરકારે જિલ્લા અધિકારીઓને હવે આ 17 જાતિઓના લોકોને જાતિ પ્રમાણપત્ર આપવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપા અને બસપાની સરકારે પણ આવું કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહોતા.
જો કે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના આ પ્રયત્ન પર કોર્ટે સ્ટે લગાવ્યો હતો, પરંતુ કેટલાક મહિના અગાઉ આ સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો. જેના પછી આ સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જો કે આ અંગે હજુ પણ અંતિમ ચૂકાદો અલાહાબાદ કોર્ટમાં હજુ પેન્ડિંગ છે.
માનવામાં આવે છે કે, આ 17 અતિ પછાત જાતિઓની વસ્તી કુલ વસ્તીના લગભગ 14 ટકા છે. જે એક ઘણી મોટી વોટ બેંક છે. અતિ પછાત હોવાને કારણે આ લોકો ન તો પછાત જાતિઓને મળતા લાભો કે ન તો દલિતોને મળતાં લાભો મેળવી રહ્યાં હતાં. આ સ્થિતિમાં આ જાતિઓને અનુસૂચિત જાતિઓમાં સામેલ કરવાથી હવે તેમને આનો ફાયદો મળશે.
ભાજપ માટે મહત્વનો નિર્ણય
હાલ યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં સમય છે પરંતુ ભાજપ પોતાના સ્તર પર તૈયારીઓ શરુ કરી દીધી છે. યુપીમાં તેની નજર બિન જાદવ મતદારો પર છે. આ વોટર્સ ગત ચૂંટણીમાં તેઓ ભાજપ તરફી હતા. આવામાં ભાજપ ઈચ્છે છે કે આ જાતિના વોટર્સને સંપૂર્ણ રીતે પોતાની તરફ કરી લેવામાં આવે.