કમલેશ તિવારી હત્યાકાંડઃ હત્યારાઓને પકડવા હવે ઈનામની જાહેરાત

લખનઉઃ કમલેશ તિવારી હત્યાકાંડના બે અન્ય કથિત આરોપીઓને પકડવા માટે હવે યૂપી પોલીસે તેમના પર અઢી લાખ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. યૂપી પોલીસે આ લોકોનું પોસ્ટર પણ જાહેર કર્યું છે. આમાં કથિત આરોપીઓ સાથે જોડાયેલી તમામ જાણકારી આપવામાં આવી છે સાથે જ તેમની સૂચના આપવા માટે પોલીસ અધિકારીઓના નંબર પણ આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ હત્યાકાંડના છેડા યૂપીથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલા છે. કમલેશ તિવારીની હત્યાના આરોપમાં મહારાષ્ટ્ર ATS દ્વારા નાગપુરથી સૈયદ અસીમ અલી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સૈયદ પર હત્યામાં જોડાયેલા આરોપીઓના સંપર્કમાં રહેવાનો આરોપ છે. સૈયદને મહારાષ્ટ્ર પોલીસે યૂપી પોલીસના હવાલે કર્યો છે.

આપને જણાવી દઈએ કે હિંદૂ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઓપી સિંહે કહ્યું હતું કે કમલેશ તિવારી હત્યાકાંડ મામલે કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગુજરાતથી ત્રણ અને યૂપીથી બે લોકોને કમલેશની પત્નીની FIR બાદ પકડવામાં આવ્યા છે. યૂપીથી પકડવામાં આવેલા બંન્ને આરોપી મૌલાના અનવરુલ હક અને મુફ્તી નઈમ કાસીમ બિજનોરના રહેવાસી છે. તેમણે કહ્યું હતું કે હત્યા પાછળનું કારણ કમલેશ તિવારીનું 2015 નું એક નિવેદન છે. પોલીસે ગુજરાતથી જે લોકોની અટકાયત કરી છે તેમાં મૌલાના મોહસિન શેખ, ફૈજાન અને રાશિદ અહમદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે.

અટકાયત કરાયેલા ત્રણેય લોકો સૂરતના રહેવાસી છે. પોલીસ અત્યારે આ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. યૂપી ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે કમલેશ તિવારીની હત્યા દુર્ભાગ્યપૂર્ણ છે. તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. ગુજરાતની એક મીઠાઈની દુકાનનું બોક્સ ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું. તેનાથી ગુજરાત કનેક્શનનો ખ્યાલ આવ્યો હતો. 3 સંદિગ્ધ લોકો મોહસિન શેખ સલીમ, ફૈજાન અને રશીદ અહમલને ગુજરાતમાં પકડવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઓ.પી સિંહે આગળ કહ્યું હતું કે શરુઆતી તપાસથી ત્રણેય આરોપી હત્યામાં શામિલ હોવાની વાત સામે આવી છે. બે અન્ય લોકો આ હત્યા સાથે જોડાયેલા હતા જે લખનઉમાં ફરાર છે. તેમની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી સામે આવી નથી, પરંતુ આ મામલે પૂછપરછ ચાલી રહી છે. જરુરત પડવા પર રિમાન્ડ લઈને પૂછપરછ કરવામાં આવશે. કમલેશ તિવારીની પત્નીની એફઆઈઆરમાં મૌલાના અનવરુલ હક અને મુફ્તી નઈમ કાસિમની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મળી છે કે આરોપી રાશિદ પઠાણે આ પ્લાન બનાવ્યો હતો અને મૌલાના મોહસિન શેખે પ્રેરિત કર્યા હતા.