બ્રિજભૂષણે નવા સંસદભવનમાં હાજરી આપી; પહેલવાન પુનિયા ભડકી ગયો

નવી દિલ્હીઃ ભારતના ટોચના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું છે કે દેશ માટે આ એક ભયાનક બાબત કહેવાય કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ નવા સંસદભવનના ઉદઘાટન પ્રસંગે હાજર હતા.

પુનિયા તથા બીજા આંદોલનકારી પહેલવાનોએ ગઈ કાલે નવા સંસદભવનની બહાર દેખાવો કરવાના ઈરાદા સાથે જંતર-મંતરથી નવા સંસદભવન તરફ કૂચ શરૂ કર્યા બાદ દિલ્હી પોલીસે તમામને અટકાવીને વિખેરી નાખ્યા હતા. પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, સંગીતા ફોગાટ સહિત ટોચના પહેલવાનોને પકડી લીધા હતા. મોડી રાતે સહુને છોડી મૂક્યા હતા, પણ એમની સામે એફઆઈઆર કેસ નોંધ્યો છે. પોલીસે છોડી મૂક્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં પુનિયાએ કહ્યું હતું કે નવા સંસદભવનના ઉદઘાટન પ્રસંગે આરોપી અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણની હાજરી આપણા દેશ માટે એક કમનસીબ ક્ષણ હતી.

બ્રિજભૂષણ સિંહ 2009ની સાલથી ભાજપના સંસદસભ્ય છે. 2019ની ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશના કૈસરગંજ મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. તેઓ ગઈ 23 એપ્રિલથી આંદોલને ચડ્યાં હતાં. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે એવી માગણી સાથે તેઓ જંતર-મંતર ખાતે ધરણા પર બેઠાં હતાં.