નવી દિલ્હીઃ બ્રિટનમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. બ્રિટને તેમના દેશમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પછી નવી વર્ક વીઝા પોલિસીની જાહેરાત કરી છે. બ્રિટનની આ જાહેરાતથી ત્યાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે પોતાનું કેરિયર સેટ કરવાની દિશામાં મોટુ પગલુ માનવામાં આવે છે. બ્રિટને વિદેશી વિદ્યાર્થીઓ માટે વર્ક વીઝાની સમય મર્યાદા 2 વર્ષ માટે વધારી દીધી છે.
બ્રિટિશ મીડિયા અનુસાર બ્રેક્ઝિટ પછી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન બોરિસ જોનસન તરફથી આ નવી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. નવી પોલિસી 2020-21માં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને લાગૂ પડશે.
2012માં બંધ કરી હતી પોલિસી
આ પોલિસીને 2012માં તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન ટેરેસાએ ખત્મ કરી દીધી હતી. હવે આ ક્રાર્યક્રમને ફરીથી શરુ કરવામાં આવ્યો છે, જેથી પોતાના દેશમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓની આકર્ષી શકે.
ભારતની દ્રષ્ટીએ જોઈએ તો ભારતીય વિદ્યાર્થીઓને આ નવી પોલિસીથી મોટો ફાયદો થશે. નવી પોલિસી લાગૂ થયા બાદ બ્રિટનમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં જ રહીને પોતાની પસંદગીના ફિલ્ડમાં 2 વર્ષ સુધી નોકરી કરી શકશે.
બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે, આ નવી નીતિથી પ્રતિભાશાળી વિદેશી વિદ્યાર્થીઓ ખાસકરીને વિજ્ઞાન, ગણિત, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમના ક્ષેત્રમાં બહોળો અનુભવ મળી શકે છે, અને પોતાને કેરિયરને આગળ વધારી શકે છે.
બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિ
છેલ્લા 3 વર્ષમાં બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. જૂન 2019ના અંત સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 22 હજાર પર પહોંચી જશે, જે ગયા વર્ષની તુલનામાં 42 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સારી વાત એ છે કે, આવેદન કરનાર 96 ટકા ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ વીઝા મેળવવામાં સફળ રહે છે.
આ પહેલા બ્રિટના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી કે, બ્રિટનમાં આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસને લઈને કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી અને બ્રિટન પ્રયત્ન કરી રહ્યું છે કે, વિદેશી વિદ્યાર્થીમાં લોકપ્રિયતા જળવાઈ રહે. શિક્ષણ વિભાગે એમ પણ કહ્યું કે, સરકાર આવેદકો માટે વીઝાની પ્રક્રિયામાં પણ સુધારો કરવા પર વિચારણા કરશે.