તામિલનાડુમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં બે શિક્ષકોની ધરપકડ

ચેન્નઈઃ તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં એક વિદ્યાર્થીની આત્મહત્યા પછી હિંસા ફાટી નીકળી હતી. જો આ આત્મહત્યા કેસમાં બે શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં પાંચ શિક્ષકો અને અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તામિલનાડુના કલ્લાકુરિચીમાં ધોરણ 12મા અભ્યાસ કરતા વિદ્યાર્થિનીને શિક્ષકો દ્વારા માનસિક યાતના આપવામાં આવતાં તેણે ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ વિદ્યાર્થિનીએ 13 જુલાઈએ હોસ્ટેલના ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ અનેક ઇજા અને રક્તસ્રાવ બતાવવામાં આવ્યો હતો. તેણે કથિત રીતે શિક્ષક દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતાં આત્મહત્યા કરી હોવાની આશંકા છે.

સોમવારે આ આત્મહત્યા કેસ સંદર્ભે સ્કૂલના કમિસ્ટ્રીના શિક્ષક હરિપ્રિયા અને મેથેમેટિક્સના શિક્ષક ક્રિતિકાની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પ્રિન્સિપાલ અને સેક્રેટરી સહિત મેનેજમેન્ટના ત્રણ અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

કલ્લાકુરિચી જિલ્લાના ચિન્ના સલેમમાં એક ખાનગી માધ્યમિક સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થિનીએ શિક્ષકો દ્વારા માનસિક રીતે હેરાનગતિ કરવાના આરોપ પછી આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થિનીના આત્મહત્યા કેસ પછી સ્કૂલમાં દેખાવકારોએ સ્કૂલ બસો અને પોલીસ વાહનોને આગ ચાંપી હતી. આ હિંસામાં અનેક પોલીસ અધિકારીઓને ઇજા પહોંચી હતી.

આ સ્કૂલ પાસે 500 લોકોનું ટોળું ભેગું થયું હતું. આ લોકોએ ધોરણ 12ની વિદ્યાર્થિની માટે ન્યાય માગવા આવ્યા હતા, પણ પછી આ દેખાવકારોએ સ્કૂલ પર પથ્થરમારો કર્યો હતો અને સ્કૂલની બસોને આગ ચાંપી હતી. આ લોકો સ્કૂલની મિલકતને પણ નુકસાન પહોંચાડવા માગતા હતા.