જમ્મુ-કાશ્મીરમાં બે પોલીસકર્મીઓએ એકબીજાને ગોળી મારી

જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં ઉધમપુરમાં પોલીસ વાનમાં બે પોલીસકર્મીઓના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બંનેના મૃતદેહો પર ગોળીઓના નિશાન જોવા મળી રહ્યા છે. સૂત્રોના અહેવાલ અનુસાર બે પોલીસકર્મીઓ વચ્ચે કોઈ કારણોસર અંદરો-અંદર ઝઘડો એટલો વધી ગયો કે બંનેએ એકબીજાને ગોળી મારી દેતાં બંનેના મોત નીપજ્યાં હતા. માહિતી અનુસાર ઉધમપુરમાં જિલ્લા હેડક્વાર્ટરમાં કાળી માતાના મંદિરની બહાર ઊભેલી એક પોલીસ વાનમાંથી બંને પોલીસકર્મીઓના મૃતદેહો મળ્યા હતા.

પોલીસકર્મીઓ જમ્મુ ક્ષેત્રના રિયાસીથી સોપોરથી તલવાડામાં સહાયક તાલીમ કેન્દ્ર જઈ રહ્યા હતા. તેમાંથી એક ડ્રાઈવર હતો અને બીજો હેડ કોન્સ્ટેબલ હતો. હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પહેલા કોઈ મુદ્દે ડ્રાઈવર પર ફાયરિંગ કર્યું હતું. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં દાવો કરાયો કે બંનેના મોત એકબીજા પર ગોળી ચલાવવાથી થયા છે પણ હજુ સુધી આ મામલે પુષ્ટી થઈ શકી નથી અને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ પરસ્પર દુશ્મનાવટ સાથે જોડાયેલો મામલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલને થોડી ઈજા થઈ છે, જેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. આ મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીએ ફાયરિંગમાં પોતાની એકે 47 રાઈફલનો ઉપયોગ કર્યો હતો. તે સોપોરમાં પોસ્ટેડ હતો અને કાશ્મીરનો રહેવાસી હતો. પ્રાથમિક માહિતીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આરોપીએ પહેલા તેના સાથીદારની ગોળી મારી હત્યા કરી અને પછી આત્મહત્યા કરી.