નવી દિલ્હીઃ દેશભરમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ કરવામાં આવ્યા બાદથી સતત થઈ રહેલા મોટી રકમના ચલણને લઈને ઓલ ઈન્ડિયા ટ્રાંસપોર્ટર્સ એસોસિએશન આજે રોડ પર ઉતરી આવ્યું છે. નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં તમામ પ્રકારની બસો, ઓટો અને ટેક્સીઓ અને ઓટો રિક્ષા ચાલવા દેવામાં નથી આવી રહી. પ્રાપ્ત વિગતો અનુસાર આ હડતાલમાં 51 સંગઠનના કર્મચારીઓ જોડાયા છે. હડતાલને લઈને દિલ્હી-એનસીઆરની મોટાભાગની શાળાઓને બંધ કરી દેવામાં આવી છે.
યૂએફટીએફના પદાધિકારીઓએ મીડિયાને માહિતી આપી કે કેન્દ્ર અને દિલ્હી સરકાર બંન્નેએ તેમને હડતાલ માટે મજબૂર કર્યા છે. તેમણે કહ્યું કે અમે છેલ્લા 15 દિવસથી કેન્દ્ર અને દિલ્હી બંન્ને સરકાર પાસેથી અમારી સમસ્યાના સમાધાનની માંગ કરી રહ્યા છે પરંતુ અમારી માંગ હજી સુધી સ્વીકારાઈ નથી અને અમારી સમસ્યાઓનું સમાધાન પણ નથી મળ્યું.
હડતાલની અસર હવે દિલ્હી-એનસીઆરના લોકો પર દેખાવા લાગી છે. લોકોને ઓફિસ પહોંચવામાં ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક સરકારી કર્મચારીએ જણાવ્યું કે હું ઓફિસ જવા માટે રોજ બસ સેવાનો ઉપયોગ કરું છું પરંતુ છેલ્લા 8 કલાકથી કોઈ બસ આવી નથી. કિશોરી લાલે જણાવ્યું કે તેમને ઓફિસ પહોંચવામાં મોડુ થઈ રહ્યું છે એટલે હવે મેટ્રોનો સહારો લેવો પડશે.
યાત્રીઓના વધારે ધસારાના કારણે ડીટીસી બસોમાં સામાન્યથી વધારે ભીડ દેખાઈ રહી છે. કેટલાક યાત્રીઓ ક્યાંક ઓટો રીક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે ઓટોરિક્ષા ચાલકોનું કહેવું છે કે હડતાલ કરી રહેલા એસોસિએશનના લોકો તેમને અધવચ્ચે જ રોકી રહ્યા છે અને પેસેન્જરોને ઉતારવા માટે દબાણ કરી રહ્યા છે.
હડતાલની જાહેરાત બાદ દિલ્હી-એનસીઆરની ઘણી શાળાઓએ રજા જાહેર કરી દીધી છે. સ્કૂલ બસ જ ચાલતી હોવાના કારણે મોટાભાગની શાળાઓએ રજા આપી દેવાનો નિર્ણય કર્યો છે.
આ મામલે મીડિયા સાથે વાત કરતા દિલ્હી ઓટો ટેક્સી યૂનિયનના અધ્યક્ષ કિશન વર્માએ કહ્યું કે અમે કોઈપણ પીળી નંબર પ્લેટ વાળી ગાડીને રોડ પર ચાલવા નથી દઈ રહ્યા. તેમણે કહ્યું કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે ત્યારે આવામાં દંડની ભારે રકમ આપવી તે ખરેખર મુશ્કેલીભર્યું કામ છે. તેમણે કહ્યું કે અમારી માંગ છે કે આ નવા મોટર વ્હીકલ એક્ટને પાછો ખેંચવામાં આવે અને એમસીડી દ્વારા જે ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે તેને પણ પાછો ખેંચી લેવામાં આવે. આ સાથે જ તેમણે કહ્યું કે જો આવું ન થાય તો આવનારા દિવસોમાં આંદોલન મોટું હશે.