નવી દિલ્હીઃ નોએડાના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં દુર્ઘટના ઘટી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટિયેરા સોસાયટીના ટાવર-પાંચની લિફ્ટ અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેને કારણે ચોથા માળે ખરાબ થયેલી લિફ્ટમાં ત્રણ લોકો અંદર જ ફસાઈ ગયા હતા. આ દરમ્યાન લિફ્ટની બ્રેક અચાનક ફેલ થઈ જતાં લિફ્ટ બેકાબૂ થઈ હતી અને લિફ્ટ નીચે આવવાને બદલે ઉપર તરફ જવા લાગી હતી.
આ લિફ્ટ સીધી 25મા માળે પહોંચી ગઈ અને ઉપરના માળની છત પર ટકરાઈ ગઈ હતી. આ લિફ્ટમાં સવાર ત્રણ લોકો જખમી થયા હતા. આ લિફ્ટમાં ખરાબી પછી સોસાયટીના રહેવાસીઓ સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખતાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર લિફ્ટ આઠમા માળેથી નીચે આવી રહેલી લિફ્ટ સૌથી ઉપરના માળે જતી રહી હતી. સેક્ટર 137ની પારસ ટિયેરા સોસાયટીમાં રવિવારે સાંજે આ ઘટના બની હતી. અહીં જ ગયા વર્ષે આ પ્રકારની ઘટનામાં એક સિનિયર સિટિજને જીવ ગુમાવ્યો હતો.
આ લિફ્ટમાં જ્યારે દુર્ઘટના બની હતી, ત્યારે એમાં સોસાયટીનો એક રહેવાસી અને બે ડિલિવરી બોય પણ હતા. એડિશનલ ડેપ્યુટી કમિશનર હિરદેશ કઠેરિયાએ જણાવ્યું હતું કે અચાનક ટેક્નિકલ ખામીને કારણે લિફ્ટ નીચે આવી રહી એ દરમ્યાન કેટલાક આંચકા લાગ્યા હતા. ત્યાર બાદ લિફ્ટ નીચે આવવાને બદલે ઉપરના માળે જવા લાગી અને જોરથી 25મા માળની છત સાથે ટકરાઈ હતી.