ભારતમાં લોન્ચ કરાઈ પહેલી હાઈડ્રોજન ઈંધણ-આધારિત કાર

નવી દિલ્હીઃ હાઈડ્રોજન ઈંધણથી ચાલતી ટોયોટા મિરાઈ કાર ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ અત્યાધુનિક એવી ફ્યૂઅલ સેલ ઈલેક્ટ્રિક વેહિકલ (FCEV) કાર, ટોયોટા મિરાઈને લોન્ચ કરી હતી.

શરૂઆતમાં આ પાઈલટ પ્રોજેક્ટ છે, જે અંતર્ગત ભારતના રસ્તાઓ પર અને આબોહવામાં હાઈડ્રોજન ઈંધણ આધારિત FCEV વાહનો કેટલી કાર્યક્ષમ છે તેની ચકાસણી કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું સંચાલન ટોયોટા કંપની અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેક્નોલોજી સાથે મળીને કરશે.

ટોયોટા મિરાઈ કારમાં હાઈડ્રોજન ટાંકી માત્ર પાંચ જ મિનિટમાં રીફીલ થશે અને ત્યારબાદ 550 કિ.મી. સુધી ચલાવી શકાશે. ઈલેક્ટ્રિક વાહનોની જેમ હાઈડ્રોજનથી ચાલતી કાર પણ ઝીરો પ્રદૂષણ ફેલાવે છે. આ કારનું એન્જિન હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિક્રિયાથી ઉત્પન્ન ઊર્જાને વીજળીમાં બદલી નાખે છે, જેનાથી કારમાં બેસાડવામાં આવેલી ઈલેક્ટ્રિક મોટરને ઊર્જા મળે છે. આ પ્રતિક્રિયાથી પાણીની વરાળ ઉત્પન્ન થાય છે જે કારને એગ્ઝોસ્ટ પાઈપ વાટે બહાર કાઢે છે. ભારતમાં ગ્રીન હાઈડ્રોજન આધારિત ઈકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ટોયોટા મિરાઈ કારનું ઉત્પાદન કર્ણાટકમાં ટોયોટા કિર્લોસ્કર મોટર્સના પ્લાન્ટમાં કરવામાં આવશે.