નવી દિલ્હીઃ દેશના મોટાભાગના શહેરોમાં ટમેટાની રીટેલ પ્રાઈઝ એકવાર ફરીથી આસમાને પહોંચી છે. રસોડામાં સૌથી વધારે જેની જરુર હોય છે તેવા ટમેટાંનો ભાવ મોટાભાગના શહેરોમાં 80 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે કે જે એક મહિના પહેલા સુધી 20 રુપિયાની આસપાસ હતો. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને કબૂલ કર્યું છે કે, ગત કેટલાક દિવસોમાં ટમેટાંના ભાવમાં ઉછાળો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, મુખ્ય કારણ એ છે કે ટમેટાંની પાકની દ્રષ્ટીએ ઓફ-સીઝન છે અને ટમેટાં જલ્દી ખરાબ થઈ જાય તેવી પ્રકૃતિના હોય છે એટલા માટે પણ તેની કિંમત વધારે છે. ચેન્નઈને બાદ કરતા તમામ મેટ્રો શહેરોમાં ટમેટાંનો ભાવ 60 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. મંત્રાલય ગંગટોક અને રાયપુર જેવા શહેરોમાં ટમેટાં 70 રુપિયે પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે. ગોરખપુર, કોટા અને દીમાપુરમાં ટમેટાંનો ભાવ 80 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.
જાણકારોનું માનીએ તો છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ અનુસાર, દર વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ટમેટાંનો ભાવ વધી જાય છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તમિલનાડુ, કેરળ, જમ્મૂ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ટમેટાંનું ઉત્પાદન ઓછું થાય છે. આ તમામ રાજ્ય અન્ય મોટા ઉત્પાદક રાજ્યો પર નિર્ભર કરે છે. મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં વાર્ષિક 1.97 કરોડ રુપિયાના ટમેટાંનું ઉત્પાદન થાય છે. તો વાર્ષિક ખપત આશરે 1.15 કરોડ ટન છે.