નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસની સંખ્યા 18,000ને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર આજે સવાર સુધી દેશમાં 18,601 કોવિડ-19 કેસો સક્રિય છે. દેશમાં અત્યાર સુધી 590 લોકોનાં મોત થયાં છે, જ્યારે આ રોગમાંથી 3,252 લોકો સાજાનરવા થયા છે. એક સફાઈ કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને કામ કરતા 100 કર્મચારીઓને ફરીથી સેલ્ફ-આઇસોલેશનમાં જવાની સલાહ આપવામાં આવી છે,એમ આરોગ્ય મંત્રાલયની ગાઇડલાઇનમાં સાવચેતી સ્વરૂપે જણાવ્યું હતું.
દેશમાં કોરોના વાઇરસનો કહેર ઓછું થવાનું નામ નથી લેતો. આરોગ્ય મંત્રાલયે દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1,336 નવા કેસો નોંધાયા છે અને 47 લોકોનાં મોત થયાં છે. પુણેની રૂબી હોલ ક્લિનિકના 25 હોસ્પિટલના કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.
વિશ્વમાં કોરોનાના 24 લાખ કેસ
વિશ્વભરમાં કોરોના વાઇરસથી 24,76,854 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 16,59,795 સક્રિય છે. આ વાઇરસથી અત્યાર સુધીમા 6,46,760 લોકો રોગમુક્ત થયા છે અને 1,70,299 લોકોનાં મોત થયાં છે.
દિલ્હી પોલીસના ત્રણ કર્મચારીઓના કોરોનો ટેસ્ટ પોઝિટવ
નબી કરીમ વિસ્તારમાં દિલ્હી પોલીસના ત્રણ કર્મચારીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે આ વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓ મળી આવતાં અહીં લોકોનું ટેસ્ટિગ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
કોરોનાના 80 ટકા કેસમાં તાવ અને ઇન્ફેક્શનનાં લક્ષણોઃ ICMR
ICMRએ એની દૈનિક પત્રકાર પરિષદમાંમ જણાવ્યું હતું કે કોરોના 80 ટકા કેસોમાં તાવ અને ઇન્ફેક્શનનાં લક્ષણો જણાયાં હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે લોકડાઉન પહેલાં કોરોના કેસ 3.4 દિવસમાં બમણા થયા હતા, જે હવે લોકડાઉન પછી 7.5 દિવસે બમણા થઈ રહ્યા છે.