હિમાચલ પ્રદેશમાં બપોરે એક જ કલાકમાં ધરતીકંપના 3 આંચકા લાગ્યા

શિમલા – હિમાચલ પ્રદેશ રાજ્યના ચમ્બા જિલ્લામાં આજે બપોરે એક જ કલાકના સમયગાળામાં ધરતીકંપના ત્રણ આંચકા આવ્યા હતા.

આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું છે કે કેમ તે વિશે હજી કોઈ જાણકારી મળી નથી.

ધરતીકંપના આંચકા આજે બપોરે 12.10 અને 12.57 વાગ્યાની વચ્ચેના સમયે આવ્યા હતા. એમનું  કેન્દ્રબિંદુ હિમાચલ પ્રદેશના ઈશાન ખૂણે અને હિમાચલ પ્રદેશ-જમ્મુ અને કશ્મીરની સરહદ પરના સ્થળે હોવાનું અને પાંચ કિલોમીટર ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું.

ધરતીકંપના આંચકાઓની તીવ્રતા 2.7 અને પાંચની વચ્ચેની નોંધાઈ છે.

ધરતીકંપનો પહેલો આંચકો 12.10 વાગ્યે આવ્યો હતો અને એની તીવ્રતા પાંચ હતી.

બીજો 12.40 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 3.2 હતી. ત્યારબાદ ત્રીજો 12.50 આવ્યો હતો જે 2.7ની તીવ્રતાનો હતો.

ગઈ કાલે રવિવારે પણ ચમ્બામાં સાંજે 5.30 વાગ્યે 3.4ની તીવ્રતાના ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. એની પહેલાં, સવારે 8.04 વાગ્યે હિમાચર-જમ્મુ-કશ્મીર સરહદ ઉપર એક આંચકો લાગ્યો હતો જેની તીવ્રતા 4.9 હતી.

ચમ્બા સહિત હિમાચલ પ્રદેશ રાજ્યના ઘણા ખરા ભાગો ભૂકંપ માટે અત્યંત જોખમી વિસ્તારમાં આવેલા છે.