ચોકલેટ અને ખીરના ગણેશ બનાવો, વિસર્જન પછી પ્રસાદ આરોગો….

મુંબઈ- આજકાલ ગણેશોત્સવના દિવસોમાં ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિના કન્સેપ્ટની બહુ ચર્ચા ચાલે છે. નો ડાઉટ, આ ચર્ચા આવકારદાયક છે, પણ મુંબઇમાં રહેતા રીન્ટુ રાઠોડ તો એનાથી પણ બે ડગલાં આગળ વધ્યા છે. છેલ્લા આઠ વર્ષથી ચોકલેટના ગણપતિ બનાવવા માટે જાણીતા બનેલા રીન્ટુ રાઠોડે આ વખતે ખીરના ગણેશજી બનાવ્યા છે. એમના આ કન્સેપ્ટને પણ સારો એવો આવકાર મળી રહ્યો છે.

ચોકલેટના ગણપતિ બનાવ્યા પછી અમારે એનાથી એક સ્ટેપ આગળ વધવું હતું એમ જણાવતા રિન્ટુ રાઠોડ કહે છે કે, હવે સમય આવી ગયો હતો કંઈક નવું કરવાનો એટલે અમે આ વખતે ખીરના ગણપતિ બનાવ્યા.

કેવી રીતે બને છે ખીરના ગણેશની મૂર્તિ?

આ વર્ષે એમણે ખીરના ગણેશજીની મૂર્તિ બનાવવામાં ડ્રાઈ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ચોખા, ખાંડ, એલચી, કેસર વગેરેનો ઉપયોગ કર્યો છે. આ મૂર્તિ 2 ફૂટ લાંબી અને તેનું વજન 25 કિલોગ્રામ જેટલું છે. રિન્ટુ કહે છે કે, ચોકલેટના ગણેશની જેમ જ ખીરના ગણેશની મૂર્તિનું વિસર્જન પણ દૂધમાં જ કરવામાં આવશે. વિસર્જન બાદ આ મૂર્તિ ચોખાની ખીરમાં ફેરવાઈ જશે જેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાશે.

રિન્ટુને ખીરના ગણેશની મૂર્તિની ફોર્મ્યૂલા તૈયાર કરવા માટે 9 મહિના જેટલો સમય લાગ્યો હતો. આમ પણ, ખીર આપણા મંદિરોમાં પ્રાચીન કાળથી પ્રસાદના રૂપમાં પિરસવામાં આવે જ છે. રિન્ટુએ તેમનું આ નવું આવિષ્કાર આવનારી પેઢીઓના કલ્યાણ માટે સમર્પિત કર્યું છે.

એવી જ રીતે, ચોકલેટના ગણપતિ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે વાત કરતા રિન્ટુ કહે છે કે હું મુંબઈના જુહુ બીચ પર ફરવા જતી હતી ત્યારે ગણેશજીના વિસર્જન બાદ તેમની તુટેલી પ્રતિમાઓ જ્યાં ત્યાં વિખરાયેલી પડેલી જોતી હતી. ગણેશ ઉત્સવ બાદ શ્રીજીના ભક્તો માટે આ જોવું ઘણુ કષ્ટદાયક હતું. ત્યારબાદ મેં ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યુ.

એક તરફ સરકાર ઢોલ નગારા વગાડીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિના ઉપયોગનો આગ્રહ કરે છે, ત્યારે જો તમારે ઘરમાં જ ગણેશજીનું સ્થાપન કરવાનું હોય તો તમે ફટકડીના, માટી ગણપતિ બનાવીને ઘરના પાણી કે કુંડામાં જ તેનુ વિસર્જન કરી શકો છો.

જ્યારે ચોકલેટ કે ખીરના ગણપતિની મૂર્તિનું વિસર્જન કરીને તમે જરૂરીયાતમંદ બાળકોને પ્રસાદરૂપ ભોજન આપી માનવ સમાજને મદદરૂપ થઈ શકો છો.

રિન્ટુ રાઠોડે વર્ષ 2011માં ચોકલેટમાંથી એવા ગણપતિની પ્રતિમા બનાવી હતી જેનું વિસર્જન દૂધમાં કરવામાં આવે તો તે ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે. આ ચોકલેટ મિલ્ક બાદમાં તે ગરીબ બાળકોમાં વહેંચી દે છે. બસ ત્યારથી ઘટનાક્રમ આજ દિન સુધી ચાલી રહ્યો છે.

રિન્ટુના આ વિચારને વિશ્વભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આજે પણ સેંકડો લોકો તેમના પગલે ચાલે છે. હવે રિન્ટુ અન્ય લોકોને પણ આ ચોકલેટના ગણેશજી બનાવવાની રીત શીખવે છે.

ફૂડ આર્મીના સંસ્થાપક તરીકે પણ જાણીતા છે રિન્ટુ રાઠોડ

ચોકલેટના ગણેશજી ઉપરાંત, એ ફૂડ આર્મીના સંસ્થાપક તરીકે પણ જાણીતા છે. ફૂડ આર્મી દ્વારા એ દેશમાં કોઈ પણ કુદરતી હોનારત આવે ત્યારે એનો ભોગ બનેલી વ્યક્તિઓને ખાવાનું પહોંચાડે છે. ચેન્નાઈ પૂર વખતે, નેપાલના ભૂકંપ વખતે, કશ્મીરની જળહોનારત વખતે મોટી સંખ્યામાં એમની આ ફૂડ આર્મીએ થેપલાં પહોંચાડ્યાં હતાં. આ ઉપરાંત આ ગ્રુપ દ્વારા પીડિતોને પ્રાથમિક સારવાર, દવાઓ, કપડા વગેરે પણ ડોનેટ કરે છે. આ તમામ કાર્યોમાં પીડિતો પાસેથી એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. ફૂડ આર્મી દ્વારા સમાજ માટે કંઈક સારુ કામ કરવા બદલ રિન્ટુને અનેક પુરસ્કારો પણ મળેલા છે.