રિઝર્વ બેન્કે મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખ્યા

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીએ ચાવીરૂપ મહત્ત્વના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટીએ વ્યાજદરોને ‘જૈસે થે’ રાખવાનો નિર્ણય લીધો છે. બેન્કે રેપો રેટ ચાર ટકા જાળવી રાખ્યો છે. MPCએ સર્વસમંતિથી આ નિર્ણય લીધો છે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખવામાં આવ્યો છે.

આ પહેલાં ઓગસ્ટમાં RBIની MPCની બેઠક થઈ હતી, જેમાં વ્યાજદરોમાં કોઈ બદલાવ કરવામાં નહોતો આવ્યો. વળી, વ્યાજદરોમાં લઈને બેન્કે અકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું છે. 

રેપો રેટ ચાર ટકા
રિવર્સ રેપો રેટ 3.35 ટકા
કેશ રિઝર્વ રેશિયોઃ  3 ટકા
બેન્ક રેટઃ  4.25 ટકા

 

RBI ગવર્નર શક્તિકાંત દાસે  અર્થતંત્ર વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં 9.5 ટકાનો ઘટાડાની શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું. શક્તિકાંત દાસે તેમ છતાં કહ્યું હતું કે અર્થતંત્રમાં ઝડપથી રિકવરી આવશે. તેમણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, રિટેલ વેચાણમાં, નિકાસ અને એનર્જી ખપતમાં વૃદ્ધિ સહિત કેટલાંય ક્ષેત્રોમાં રિકવરીની વાત કરી હતી.

શક્તિકાંત દાસે આર્થિક કામકાજમાં તેજી લાવવા કેટલાય ઉપાયોનું એલાન કર્યું હતું. જે નીચે મુજબ છે.

  • આ વર્ષે ડિસેમ્બરમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ની સુવિધા સાતે દિવસ 24 કલાક મળવા લાગશે.
  • હોમ લોનના રિસ્ક વેટેજમાં પણ બદલાવ કર્યો છે, એનાથી બધી નવી હોમ લોનનું રિસ્ક માત્ર લોનની વેલ્યુ લિન્કથી હશે.
  • કેન્દ્ર માટે વેજ એન્ડ મિન્સ એડવાન્સ (WMA)ની મર્યાદા 1.25 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
  • એક લાખ કરોડ રૂપિયા માટે ઓન-ટેપ TLTRO ચાર ટાના દરે માર્ચ, 2021 સુધી જારી રહેશે.
  • આગામી સપ્તાહે મધ્યસ્થ બેન્ક 20,000 કરોડ રૂપિયાનું OMC (ઓપન માર્કેટ ઓપરેશન) કરશે.

 

આ વર્ષે RBI રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. આ વખતે મોનિટરી પોલિસી એક ઓક્ટોબરે આવવાની હતી, પરંતુ MPCના ત્રણ સભ્યો ખાલી હોવાથી એને એ વખતે ટાળવામાં આવી હતી. જોકે આ સપ્તાહે  ત્રણ નવા સભ્યોની નિમણૂક થઈ છે.