હિંમતનગરઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને ગુજરાતી ભાષામાં જ પોતાના સંબોધનની શરુઆત કરી હતી અને આખુ ભાષણ ગુજરાતીમાં જ આપ્યું. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને વાવાઝોડામાં જે લોકોએ જીવ ગુમાવ્યા તે લોકોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી.
વડાપ્રધાને કહ્યું કે આ ચૂંટણી તમારા બાળકોના ભવિષ્ય માટેની છે. તમે જ મને કહો કે નજીકના ભવિષ્યમાં એવા કોઈ વડાપ્રધાન દેખાય છે કે જે સાબરકાંઠા, હિંમતનગર, મોડાસા કે પંચમહાલની ગલીઓ જાણતો હોય?. હું અહીંયા 100 માણસોને નામથી બોલાવું તેટલો પરિચિત છું. હું જતો હોય અને તમે મને કહી શકો કે, નરેન્દ્ર મોદી ઉભા રહો કામ છે. સીધી જ વાત છે કે બીજો કોઈ વડાપ્રધાન હોય તો મેળ જ ન પડે. આપણે આ વખતે દિલ્હીમાં ફરીએકવાર મોદી સરકાર લાવવાની છે.
2004 થી 2014 દિલ્હીમાં રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી. આ 10 વર્ષમાં ગુજરાતનું જેટલુ નુકસાન કરાય તેટલુ નુકસાન દિલ્હી સરકારે કર્યું હતું. ગુજરાતને તોડવા આકાશ પાતાળ એક કર્યા. દિલ્હીમાં 10 વર્ષ બેસીને ગુજરાતને ખેદાન-મેદાન કરવા તમામ પ્રયત્નો કર્યા હતા આવા લોકોને તક ક્યારેય ન આપાય.
આ લોકોને એમ છે કે આ ગુજ્જુ, આ ચા વાળો છે અને આણે અમારા ખાનદાનને જામીન લેવા પડે તેવું કરી નાંખ્યું. આખો પરિવાર જામીન પર છે. વડાપ્રધાને કહ્યું કે 2014માં તમે મને બેસાડ્યો તો હું દેશને લૂંટનારાઓને દરવાજા સુધી તેમને લઈ ગયો અને બીજા પાંચ વર્ષ આપો તો કાયદેસર અંદર મોકલી દઈશ. દેશને જેંમણે લુંટ્યો છે તેમણે પાછુ આપવું જ પડે, અને એટલા માટે જ તમે મને દિલ્હી મોકલ્યો છે.
5 વર્ષ સુધી તમે મોકલ્યો અને તમારી છાતી ફુલે તેવું કામ કરીને આવ્યો છું. તમારું માથુ દેશ નહી પણ દુનિયામાં ઉંચુ થાય તેવું કર્યું છે. ગુજરાતના માણસો સ્વાર્થ ન કરે, દેશના માટે કંઈ જોઈતું હોય તો ગુજરાત છોડવા વાળુ રાજ્ય છે. સરદાર અને ગાંધીની આ જ પરંપરા છે. એટલે હસતે મોઢે ગુજરાતે મને દિલ્હી મોકલ્યો અને આજે ગુજરાત આખુ મારી પડખે ઉભું છે.
આવનારા પાંચ વર્ષમાં દેશ ખૂબ આગળ વધે તેના માટે દેશ મતદાન કરવા જઈ રહ્યો છે. આજે દુનિયામાં આર્થિક રીતે સૌથી તેજ ગતીથી આગળ વધનારો દેશ ભારત છે. 2013માં રિમોટ કંટ્રોલ સરકારના એક નાણાપ્રધાને કહ્યું કે આપણો દેશ અર્થવ્યવસ્થામાં પાછળ હતો હવે 11મા નંબરે આવી ગયો. પણ મોદીએ પાંચ વર્ષમાં 11 નંબરથી 6 નંબર પર પહોંચાડી દીધો. હવે પ્રથમ નંબર પર પહોંચવાનો ઈરાદો છે.
વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ આપણા સપુતોના શોર્ય અને વૈજ્ઞાનિકોની ઉપ્લબ્ધીનો વિરોધ કરે છે. ગુજરાતમાં છાશવારે હુલ્લડો થતા અને કરફ્યુ આવતો, મોડાસામાં બહેન દિકરીઓ સલામત નહોતી. આખા દેશમાં બોંબ ધડાકા જે થતા હતા તે બધુ બંધ થઈ ગયું. વડાપ્રધાને જનતાને સવાલ કર્યો કે ઉરીમાં આપણા જવાનોને મારી નાંખે અને મોદી ચૂપ રહે?
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોગ્રેસ પાર્ટી સૈનીકોની સુરક્ષાને પણ દાવ પર લગાવવા માંગે છે. એકતરફ તમારો આ ચોકીદાર સૈનિકો આતંકવાદ સામે સુરક્ષીત રહે તે માટે તેમને ખુલ્લી છુટ આપે છે અને કોંગ્રેસના લોકો સૈનીકોના સુરક્ષા કવચને હટાવી લેવાનું પોતાના ડખોસલા પત્રમાં જાહેર કરે છે. આફસ્પાનો અને દેશદ્રોહનો કાયદો હટાવવાની જે કોંગ્રેસની પ્રવૃતિ છે તે દેશના જવાનો માટે ઘાતક છે. પહેલા ચા વાળાને ગાળો આપતા હતા હવે ચોકીદારને ગાળો આપે છે. નામદારને ભારતના બધા લોકો ચોર દેખાય છે જ્યારે પોતે જામીન પર છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે ચાર-પેઠી નહેરુથી નામદાર સુધી એકજ વાત અમે ગરીબી હટાવીશું, અરે તમે હટોને અમે ગીરબી હટાવી લઈશું. તમે હટતા નથી એટલે ગરીબી હટતી નથી. આ દેશનો ગરીબ કહે છે કે જે દિવસે કોંગ્રેસ હટશે તે દિવસે ગરીબી ઉભી પૂંછડીએ ભાગી જશે. મોંઘવારીને કંટ્રોલ કરીને મધ્યમવર્ગને મદદ કરવાનું કામ મોદી સરકારે કર્યું છે.
દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવો છે. આજે ફરીએકવાર ગુજરાત પાસે 26 સીટોના આશીર્વાદ લેવા આવ્યો છું. ગુજરાતમાં જેને પણ કમળ દબાવશો તે મોદીના ખાતામાં જ જશે. જે લોકો ચોકીદારને ચોર કહેતા હતા તેમને જવાબ આપ્યો. દેશને ચોકીદાર જોઈએ, ચોકીદાર મજબૂત અને શક્તિ શાળી હોવો જોઈએ.