કોરોનાના સંક્રમિતો સંખ્યા 5.60 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,522 નવા કેસ સામે આવ્યા છે અને 418 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 5,66,840 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 16,893 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,34,821 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,15,125એ પહોંચી છે. રિકવરી રેટ 59.07 ટકાએ પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 8.80 ટકાએ પહોંચ્યો છે.   

કોવેક્સિનને માનવ પરીક્ષણ માટે મંજૂરી મળી

દેશની પહેલી સ્વદેશી કોરાના સામેની વેક્સિન બનાવવા માટે હૈદરાબાદસ્થિત વેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા મંજૂરી મળી ગઈ છે, કંપનીને માનવ શરીરમાં પ્રથમ અને બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. કોવેક્સિન નામની વેક્સિનને કંપનીએ ICMR અને NIVની સાથે મળીને વિકસિત કરી છે.

બિહારમાં લગ્નના પછીના દિવસે પતિનો કોરોનાને લીધે મોત

બિહારમાં એક લગ્ન પ્રસંગના મામલે આરોગ્ય વિભાગની મુસીબતો વધારી દીધી છે. આ લગ્નમાં સામેલ થયેલા લોકો ઝડપથી કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધી આ લગ્ન પ્રસંગમાં હાજર રહેલા 369  લોકોની તપાસ થઈ ચૂકી છૈ, જેમાંથી 111 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ લગ્નના બીજા દિવસે પતિનું મોત થયું છે. જેથી હવે સામૂહિક સંક્રમણ થઈ રહ્યું હોવાનું જણાય છે.

વિશ્વમાં કોરોનાથી 1.04 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,08,078 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,04,08,433 પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.