વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાચેપગ્રસ્ત રોગને લઈને પોતાના સંસદીય ક્ષેત્ર બનારસના લોકો સાથે વિડિયો કોન્ફરન્સિગથી સંવાદ કર્યો હતો. તેમણે કાશીવાસીઓને આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે તેમની કૃપાથી આ સંકટ સામે આપણે લડી લઈશું અને એમાં તમારા સૌના સહકારથી આપણી જીત થશે. તમે આ સંકટના 21 દિવસ સુધી ગરીબ લોકોની મદદ કરો, આ પણ એક માતાની પૂજા-અર્ચના છે, તેમ મોદીએ કહ્યું હતું.
કાશીવાસીઓની મહત્ત્વની ભૂમિકા
વડા પ્રધાને કાશીવાસીઓને પ્રેરિત કરતાં કહ્યું હતું કે આ 21 દિવસમાં આપણે કોરોનાની સામેની લડાઈ આપણે જીતવાની છે. આમાં કાશીવાસીઓની મહત્ત્વની ભૂમિકા છે. આ સંકટના સમયમાં કાશીએ સૌથી માર્ગદર્શન કર્યું છે. કાશીનો અર્થ શિવ છે. કાશી વિશ્વઆખીને શીખ આપે છે. તેમણે કાશીવાસીઓની પ્રશંસા કરી હતી.
મહાભારતનું યુદ્ધ 18 દિવસ, કોરાના સામેની લડાઈ 21 દિવસની
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતી લેવામાં આવ્યું હતું. આજે કોરોનાની સામે જે યુદ્ધ છેડ્યું છે, એમાં 21 દિવસ લાગવાના છે. હાલના કપરા સમયમાં હું જાણું છું કે મારી તમારી પડખે રહેવું જોઈએ, પણ તમે અહીં દિલ્હીની ગતિવિધિઓથી તમે પરિચિત છો. અહીં હું વ્યસ્ત છું પણ વારાણસી સાથે નિરંતj મારા સાથીઓ પાસેથી અપડેટ લઈ રહ્યો છું
આ મુશ્કેલ દિવસોમાં ગરીબ પરિવારની મદદ કરો
વડા પ્રધાને કહ્યું હતું કે આજથી નવરાત્રિના શુભ દિવસોની શરૂઆત થઈ છે. આપણે સંકલ્પ લઈએ કે આગામી 21 દિવસ આપણે નવ ગરીબ પરિવારોની જવાબદારી લઈએ તો આ નવરાત્રિ સફળ થઈ જશે. આ ઉપરાંત તમે તમારી આસપાસ રહેલાં પશુઓનો પણ ખ્યાલ રાખજો.
કોરોના વાઇરસ આપણી સંસ્કૃતિ મિટાવી શકતી નથી
કોરોના વાઇરસ ના તો આપણ સંસ્કૃતિ મિટાવી શકે છે અને ના તો આપણા સંસ્કાર દૂર કરી શકે છે. આ સંકટના સમયે આપણી પરોપકાર વૃત્તિ જાગ્રત થઈ જાય છે.
વિશ્વ સામે મોટો પડકાર, પણ આપણે લડી લઈશું
દેશ સામે આજે બહુ મોટું સંકટ છે. વિશ્વઆખું આ પડકારનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જેટલું બની શકે એટલું કરી રહ્યાં છે. સૌ સારાં વાનાં થશે, એમ કહેવું આપણી જાત સાથે છેતરપિંડી છે. માટે ધીરજ રાખો અને શાંતિ રાખો, આ સમય પણ નીકળી જશે. દેશવાસીઓમાં દ્રઢ ઇચ્છાશક્તિ છે અને મને વિશ્વાસ છે કે દેશ આ મહામારીને જરૂર હરાવશે.