નવી દિલ્હીઃ તેલંગાણામાં રેપ કાંડના આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા પછી દેશભરમાંથી એના પ્રત્યાઘાતો પડયા છે અને આમજનતા એનાથી ખુશ દેખાઇ રહી છે. આ ચારેય આરોપીઓ પર મહિલા વેટરનરી ડોક્ટર સાથે રેપનો આરોપ હતો. પોલીસનો દાવો છે કે આ તમામ આરોપીઓ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા અને આ દરમિયાન પોલીસ ફાયરિંગમાં તે લોકોના મોત થયા છે. નિર્ભયાની માએ આ નિર્ણયના વખાણ કર્યા છે અને પોતાની દિકરીના કેસમાં ન્યાયની માંગ કરી છે.
હૈદરાબાદ પોલીસે આ સમગ્ર ઘટનાક્રમ અંગે આપેલી માહિતી પરથી આ એન્કાઉન્ટર સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબત આ રીતે વર્ણવી શકાયઃ
- કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રીએ પોલીસ આ ચારેય આરોપીઓને બસથી ઘટના સ્થળ પર લઈ ગઈ હતી જેથી ઘટનાનું રિક્રીએશન કરીને તેની તપાસ કરી શકાય.
- આમાંથી એક આરોપીએ પોલીસનું હથિયાર છીનવી લીધું અને ભાગવાનો પ્રયત્ન કર્યો. પોલીસ પાસે બીજો કોઈ રસ્તો હતો નહી કારણ કે જો આ ચારેય લોકો ભાગી જાત તો પછી આખા દેશમાં હંગામો મચી જાત.
- આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. ત્યારબાદ જવાબમાં પોલીસે તમામ ચારેય આરોપીઓને ગોળી મારી દીધી. આ ઘટના મોડી રાત્રે 3 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા વચ્ચેની છે.
- સવારે આશરે 7:30 વાગ્યે આ મામલે મીડિયાને માહિતી મળી પરંતુ વધારે જાણકારી મળી શકતી નહોતી. માનવામાં આવી રહ્યું છે કે જલ્દી આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.
- આ એન્કાઉન્ટર બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.