નવી દિલ્હી– તેલંગાણાના મુખ્યપ્રઘાન ચંદ્રશેખર રાવ (કેસીઆર) નવું સચિવાલય બનાવવા ઈચ્છે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાંચછી છ લાખ વર્ગ ફૂટમાં પ્રસ્તાવિત આ સચિવાલયને બનાવવામાં 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તમામ સુવિધાઓથી સજ્જ સમગ્ર નિર્માણકાર્યમાં એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેસીઆરનો આ નવા સચિવાલયનો ડ્રીમ પ્રોજેક્ટ જૂના સચિવાલયને તોડીને બનાવવામાં આવશે. મુખ્યપ્રધાને આ નિર્ણય વાસ્તુદોષની ફરિયાદો આવતાં લીધો છે. હવે વિધાનસભા અને વિધાનપરિષદોને પણ ખેરબાદની નજીક નવું ભવન મળશે. ભૂમિ પૂજન 27 જૂને થશે.
આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હને હાલમાં જ આપેલા એક આદેશમાં આંધ્ર પ્રદેશ સરકારના કબ્જા હેઠળનું સચિવાલયને તેલંગાણાને આપવા કહ્યું છે. જેથી તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવનું સપનુ પૂર્ણ થઈ શકે. કેસીઆર વાસ્તુ પર અત્યંત વિશ્વાસ કરે છે. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન પણ જ્યોતિષ અને સંખ્યા વિજ્ઞાન પર ભરોસાને કારણે કે ચર્ચાઓમાં રહી ચૂક્યા છે.
સીએમ કેસીઆરે તેમના પ્રથમ કાર્યકાળમાં વર્તમાન સચિવાલયમાં બહુ ઓછો પ્રવેશ કર્યો છે. કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે, જે સચિવાલયમાં સીએમ રહે છે તેમાં એનટીઆર, વાઈએસઆર, અને ચંદ્રબાબુ નાયડુ બેસતા હતાં. તેમાં વાસ્તુદોષ છે. આ જ કારણે પ્રથમ કાર્યકાળમાં દરમિયાન કેસીઆરે તેમના બંગલા બનાવેલા કેમ્પ કાર્યાલય ખાતેથી સરકારનું સંચાલન કર્યું હતું.
કેસીઆરે સિકંદરાબાદના ઐતિહાસિક બાઈસન પોલો ગ્રાઉન્ડને તેમના ડ્રીમ પ્રોજેક્ટ માટે પસંદ કર્યું હતું પરંતુ આ ગ્રાઉન્ડમાં 60 એકરથી વધુની જમીનનો માલિકીનો હિસ્સો સંરક્ષણ મંત્રાલય પાસે હતો. તત્કાલિન સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર, નિર્મલા સીતારમણ અને પીએમ મોદી સાથે આ મામલે અનેક વખત મીટિંગ કર્યા બાદ પણ નિરાકરણ ન આવ્યું. અંતે કેસીઆરે તેમની બીજી ઈનિંગમાં જૂના સચિવાલયને જ પાડીને તેમના સ્થાને નવા સચિવાલયનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો.