પટણા- બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલૂપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ હાલમાં તેમની આગામી ફિલ્મ રુદ્રાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મથી તેજપ્રતાપ બોલીવૂડમાં ડેબ્યૂ કરશે. જેના માટે તેઓ જિમમાં પરસેવો પણ પાડી રહ્યાં છે. પરંતુ એવું નથી કે તેજપ્રતાપે રાજકારણ છોડી દીધું છે. તે રાજકીય મોરચે પણ સક્રિય છે.ગતરોજ તેજપ્રતાપે પોતાના વિસ્તારમાં Tea With Tej Pratap ઝુંબેશની શરુઆત કરી છે. જે દરમિયાન તેજપ્રતાપ પોતાના વિસ્તારના લોકો સાથે ચાય પે ચર્ચાનું આયોજન કરી રહ્યાં છે. અને તેમની મુશ્કેલી જાણવા પ્રયાસ કરી રહ્યાં છે. તેજપ્રતાપે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘આજે મારી કર્મભૂમિમાં સાત કલાક સતત ભ્રમણ કર્યું, ક્યાંક ચા સાથે વિકાસની ચર્ચા તો ક્યાંક ખુરશી લગાવી સામાન્ય જનતાના પ્રશ્નો સાંભળ્યા અને સ્થળ ઉપર જ તેનું નિવારણ કરવા હરસંભવ પ્રયાસ કર્યો’
આપને જણાવી દઈએ કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ‘ચાય પે ચર્ચા’ ઝુંબેશની શરુઆત કરી હતી. આ દરમિયાન તેમણે સમાજના અનેક વર્ગોનું પ્રતિનિધિત્વ કરતાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો સાથે ચાય પે ચર્ચા કરી હતી.