નવી દિલ્હીઃ શિક્ષક દિવસ ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે. સમાજના વિકાસમાં શિક્ષકોના અવિશ્વસનીય યોગદાન માટે આ દિવસે તેમનું સન્માન કરવામાં આવે છે.
પંજાબના ફાજિલ્કા જિલ્લાનું ડંગર ખેડા ગામ ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 15 કિમી દૂર છે અને આસપાસનાં અન્ય ગામો માટે પ્રેરણાસ્રોત છે. આ ગામની વસતિ 6500ની છે અને એ ગામ 1614 ડેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ગામમાં 1100 પરિવારો છે અને આ પરિવારોએ દેશને 450થી વધુ સરકારી કર્મચારીઓ આપ્યા છે. અને ખાસ વાત એ છે કે એમાંથી 250 નવા ભારતની કિસ્મત લખનારા સરકારી ટીચર્સ છે.
એક ઓટો ડ્રાઇવર, જેનો પુત્ર પ્રાઇમરી સ્કૂલોમાં શિક્ષક છે. એક ટ્રેક્ટર ડ્રાઇવર કે જેનો પુત્ર BSFમાં છે અને પુત્રી પ્રાઇમરી ટીચર છે. અહીં સકારાત્મક એનર્જી આપતી આવી અનેક વાર્તાઓ છે. પાકિસ્તાન સરહદથી માત્ર 15 કિલોમીટર દૂર પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં આવેલા ડંગર ખેડા ગામની વાત જ ન્યારી છે.
અકાઉન્ટ્સ અને બિઝનેસ સ્ટડીઝનું શિક્ષણ આપનાર એક ટીચર સુરિન્દર કુમાર કહે છે કે ડંગર ખેડાનું નામ બદલીને અધ્યાપક ખેડા કરી દેવું જોઈએ. અમારું ગામ એક ફેક્ટરીની જેમ છે, જ્યાંથી ટીચર્સ બહાર નીકળે છે.
આ ગામમાં બે કોચિંગ સેન્ટર્સ અને પાંચ પેડ રીડિંગ રૂમ્સ છે, જે 24 કલાક ખુલ્લા રહે છે. ગામનાં સરપંચ સોનિયા જણાવે છે કે આ રીડિંગ રૂમ્સમાં વિવાહિત મહિલાઓ પણ અભ્યાસ કરવા માટે આવે છે. આ ડંગર ખેડા ગામમાં એક સરકારી પ્રાઇમરી અને એક સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલ છે. અહીં 1200 વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. આ સિવાય અહીં કોઈ ખાનગી સ્કૂલ નથી.