નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અનેક રાજ્યોમાં જારી બુલડોઝર કાર્યવાહી લઈને આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આરોપી હોવાને આધારે કોઈનું ઘર પાડી નાખવું એ યોગ્ય નથી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે કોઈ આરોપી છે તો એનું ઘર કેવી રીતે પાડી શકાય છે અને જો તે દોષી છે તો પણ સંપત્તિને ધ્વસ્ત ના કરી શકાય.
કોર્ટની આ સુનાવણી ઉદેપુરમાં ધોરણ 10ના એક વિદ્યાર્થીના ગેરકાયદે નિર્મિત ઘરને ધ્વસ્ત કર્યાના કેટલાંક સપ્તાહ પછી થઈ રહી છે. વિદ્યાર્થી પર ચાકુ મારવાનો આરોપ છે.
કોર્ટની ટિપ્પણીના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી દલીલો રજૂ કરી હતી. જણાવ્યું હતું કે નગરપાલિકાના કાયદા મુજબ જ આવાં પગલાં લઈ શકાય છે. આ અંગે તેમણે કહ્યું હતું કે અરજદારો કોર્ટ સમક્ષ ખોટી રીતે કેસ રજૂ કરી રહ્યા છે. નિયમોનું પાલન કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી થયાના ઘણા સમય પહેલાં તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ લોકો હાજર થયા ન હતા.
કોર્ટ જમિયત ઉલેમા એ હિન્દની અરજી પર સુનાવણી કરી રહી હતી. એ અરજીમાં કોઈ પણ મામલે આરોપીઓની વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગ કરી છે. અરજીકર્તાએ હાલમાં UP, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં થયેલી બુલડોઝર કાર્યવાહી પર સવાલ કર્યા હતા.
આ સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ જાહેર રસ્તાઓને અવરોધનારા કોઈ પણ ગેરકાયદે માળખાને સંરક્ષણ નહીં આપે. કોર્ટે સંબંધિત પક્ષોથી સૂચનો મગાવતાં કહ્યું હતું કે કોર્ટ અચલ સંપત્તિઓના વિધ્વંસથી સંબંધિત મુદ્દાઓ પર દેશ માટે ઉચિત દિશા-નિર્દેશ જારી કરી શકે.
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બુલડોઝર એક્શન બાદ ‘બાબા કા બુલડોઝર’ અને ‘મામા ક બુલડોઝર’ જેવા શબ્દો પ્રચલિત થયા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર કેવી રીતે તોડી શકાય? જો વ્યક્તિ દોષિત હોય તો પણ ઘર તોડી શકાય નહીં. આ સાથે કેસની આગામી સુનાવણી માટે 17 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.