નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ પણ કડક વલણ અપનાવતા સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે સરાકરને હાઈડ્રોજન આધારિત ઈંધણ ટેક્નોલોજીની વ્યવહારિકતાનું આકલન કરવા નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં CJIની આગેવાની વાળી બેંચે કહ્યું કે, આમારા મતે સરકાર અને અન્ય હિતધારકો દ્વારા સમસ્યાનું સમાધાન શોધવા માટે ખુબજ ઓછા રચનાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે.
સમગ્ર ઉત્તર ભારત, એનસીઆર હવાના પ્રદૂષણથી પીડિત છે. દેશવાસીઓના હિતમાં અમે આ મુદ્દે નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા કે, કેન્દ્ર જાપાનના હાઈડ્રોજન આધારિક ઈંધણ ટેકનીકની વ્યવહારિકતાનું આકલન કરે.
સુનાવણી દરમ્યાન એક વકીલે સુપ્રીમમાં જણાવ્યું કે, જાપાનના નિષ્ણાંતો હાઈડ્રોજન આધારિત ફ્યૂલ ટેકનીક વિકસિત કરી રહ્યા છે, જે ભારતના વાયુ પ્રદુષણની ચિંતાઓનો ઉકેલ લાવી શકે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે જાપાની નિષ્ણાંતો દ્વારા પ્રસ્તુતિઓ પર વિચાર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપ્યા છે. કોર્ટે કેન્દ્ર સરકારને 3 ડિસેમ્બર સુધી હાઈડ્રોજન આધારિત ફ્યૂલ ટેકનીકની વ્યવહારિકતા રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે.