નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈવીએમ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને 25 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમે વિરોધ પક્ષોના નેતાઓ ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કે સી વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીષચંદ્ર મિશ્રા સહિતના 21 નેતાઓની અરજી પર ચૂંટણી પંચને નોટિસ આપી છે. આ અરજીમાં આવનારી ચૂંટણીમાં ઈવીએમ દ્વારા ગડબડીની આશંકા વ્યક્તક રતા 50 ટકા સુધીની VVPAT કાપલીઓ ઈવીએમ સાથે મેળવવાની માગણી કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 25 માર્ચે હાથ ધરાશે.
વાત જાણે એમ છે કે અગાઉ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કમલનાથ અને સચિન પાઈલટની અરજી ફગાવી હતી જેમાં બંને નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણીને પારદર્શક બનાવા માટે અરજી દાખલ કરી હતી.
અરજીમાં એવી માગણી કરાઈ હતી કે વોટર લિસ્ટની જાણકારી ચૂંટણી પંચ કોંગ્રેસને ટેક્સ્ટ મોડમાં આપે. અરજીમાં દસ ટકા મતોને વીવીપેટ સાથે મિલાવવાની માગણી કરાઈ હતી. આ ઉપરાંત મતદાતા સૂચિમાં મોટી સંખ્યામાં નકલી મતદારો હોવાની વાત કરાઈ હતી.
અત્રે જણાવવાનું કે છેલ્લે થયેલી વિધાનસભા ચૂંટણીઓથી લઈને પેટાચૂંટણીઓમાં ઈવીએમમાં ગડબડીની ફરિયાદો કરાઈ હતી. અનેક રાજકીય પક્ષોએ ઈવીએમમાં ગડબડી કરતા ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માગણી કરી હતી. અનેક પાર્ટીઓએ તો સદનની અંદર ઈવીએમને કઈ રીતે હેક કરી શકાય છે તેનો ડેમો બતાવવાની કોશિશ પણ કરી હતી. આ બધી વાતોને ચૂંટણી પંચે ખોટી ઠેરવી હતી. ચૂંટણી પંચનું સ્પષ્ટ કહેવું હતું કે દરેક ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ છે અને આગળ પણ થશે. તથા ઈવીએમમાં કોઈ પણ પ્રકારની ગડબડી નથી અને ન તો તેને હેક કરી શકાય છે.