શ્રીનગરઃ શ્રીનગર નિગમના ડેપ્યુટી મેયર શેખ ઈમરાને મેં ભી ચોકીદારની જેમ પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડી દીધો છે. તો આ સીવાય તેમણે પોતાના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયામાં પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડે. સોશિયલ મીડિયા પર ઈમરાનની આ હરકતની ઘોર ટીકા થઈ રહી છે. આમ છતાં તેઓ હજુ પોતાની વાત પર મક્કમ છે.
તેમણે એક નિવેદનમાં કહ્યું કે, “મુજાહિદ શબ્દનો અર્થ જેહાદ (પવિત્ર લડાઈ)માં સામેલ થનારા સાથે છે અને તેઓ બદીઓ સામે હુમલો કરનારા અને સચ્ચાઈની વકાલત કરનારા રક્ષક છે. તમામ મુસલમાનોએ ‘મુજાહિદ’ હોવું જોઈએ અને આ શબ્દના અર્થના ઉપયોગમાં કોઈ નુકસાન નથી. જેહાદ દુશ્મન વિરુદ્ધ એક આધ્યાત્મિક લડાઈ છે. મીડિયાના કેટલાક વર્ગોએ અમારા ધર્મની ખોટી વ્યાખ્યા કરી છે.”
ઈમરાનના જણાવ્યાં મુજબ મીડિયા હંમેશા મુજાહિદ શબ્દનો ઉપયોગ નકારાત્મક રીતે કરે છે. કોંગ્રેસના સહયોગથી શ્રીનગર નગર નિગમમાં ડેપ્યુટી મેયર બનનારા શેખ મોહમ્મદ ઈમરાન આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની પણ નીકટ છે. ઈમરાને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર કાશ્મીરી યુવકોને કહ્યું કે તેઓ ચોકીદારનો જવાબ મુજાહિદથી આપે. તમામ પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડે. તેમણે કહ્યું કે મુજાહિદ શબ્દનો અર્થ ધર્મયોદ્ધા થાય છે. જે ઈસ્લામના દુશ્મનો સામે લડે.
ડેપ્યુટી મેયર દ્વારા મુજાહિદ શબ્દનો ઉપયોગ થવાથી તેને લોકોને ઉક્સાવવાની કોશિશ તરીકે ધ્યાનમાં લઈને આકરી પ્રતિક્રિયા આવી રહી છે. તેને તેમની સાંપ્રદાયિક માનસિકતાનું પ્રતિક ગણાવવામાં આવી રહી છે. આ વિવાદ પર ઈમરાને કહ્યું કે આજે બધા પોતાના નામ આગળ ચોકીદાર લખે છે. હું કાશ્મીરના હવાલે એટલું કહીશ કે હું આજથી મારા નામની આગળ મુજાહિદ લખી રહ્યો છું. તેમણે કહ્યું કે મુજાહિદનો અર્થ છે જે બુરાઈઓ વિરુદ્ધ આધ્યાત્મિક લડાઈ લડે. ઈસ્લામ એક શાંતિનો ધર્મ છે, પરંતુ તેમાં ઈસ્લામને નુકસાન પહોંચાડનારા સામે જંગની વાત પણ છે.
આ સાથે જ તેમણે લોકોને ચૂંટણી બહિષ્કારનું આહ્વાન નકારીને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ઈસ્લામના નામ પર પેદા થયેલા પાકિસ્તાન સહિત અને ઈસ્લામિક દેશોમાં મતદાન થાય છે. આપણે પણ કાશ્મીરમાં મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.