પ્રચારમાં ફિલ્મી સિતારાઓ આઉટ, નેતાઓ ઈન…

લોકસભા ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કા માટે 18 એપ્રિલના રોજ મતદાન થશે એટલે પ્રચાર તો જોરશોરમાં ચાલે છે, પરંતુ આ વખતે ચૂંટણી પ્રચારમાં ખાસ વાત એ જોવા મળે છે કે, અગાઉની ચૂંટણીઓની સરખામણીએ આ વખતે પ્રચારમાં ફિલ્મી સિતારાઓની હાજરી પ્રમાણમાં ઓછી વર્તાય છે. ફિલ્મી સિતારાઓને ચૂંટણી પ્રચારમાં ઉતારવાને બદલે રાજકીય નેતાઓ પર જ રાજકીય પક્ષો વધુ જોર આપી રહ્યાં છે.  પીએમ મોદી, અમિત શાહ, માયાવતી, એખિલેશ, રાહુલ અને પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ જાણે કાર્યકર્તાઓની પ્રથમ પસંદગી બની રહ્યા છે.

2004,2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ યૂપીમાં તમામ પક્ષોના ઉમેદવારોના પ્રચાર માટે ઘણા ફિલ્મ સ્ટારો મેદાનમાં ઉતર્યા હતાં. પશ્ચિમ યૂપીમાં સની દેઓલ, રજા મુરાદ, ડિમ્પલ કપાડિયા, મહિમા ચૌધરી, બોની કપૂર, અસરાની, મોનિકા બેદી, જયાપ્રદા, નગમા, જૂહી બબ્બર, પ્રતીક બબ્બર સહિતના ફિલ્મ સ્ટારો પ્રચારમાં ઉતર્યા હતાં. 2014માં નગમા મેરઠ હાપુડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર હતી. જયાપ્રદા બિજનોરથી આરએલડીની ઉમેદવાર હતી. આ વખતે જયા પ્રદા ભાજપના ઉમેદવાર તરીકે રામપુરથી ચૂંટણી લડી રહ્યાં છે,  રાજ બબ્બર પણ પોતે ઉમેદવાર છે.

કોંગ્રેસની એઆઈસીસીના સભ્ય અને ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ ડો. યુસુફ કુરેશીનું કહે છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની લોકપ્રીયતાને જોતા અમારે અન્ય કોઈ ફિલ્મ સ્ટારને પ્રચારમાં ઉતારવાની જરૂર નથી. આ ઉપરાંત ફિલ્મ અભિનેતા જ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. રાજ બબ્બર અમારા પ્રદેશ અધ્યક્ષ છે.

બીએસપીના કાર્યકર્તાઓના મતે એમના એક જ સર્વમાન્ય નેતા છે, અને એ છે માયાવતી,જેથી બીએસપીને કોઈ ફિલ્મ સ્ટારની જરૂર નથી. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રદેશ સચિવ ચૌધરી દિનેશ ગુર્જરનું કહે છે કે, લોકો હવે કામ પર વિશ્વાસ કરે છે, દેખાડા પર નહીં. એસપી નેતા અખિલેશ યાદવનું કામ બોલે છે.

ફિલ્મી હસ્તીઓ વર્તમાન સમયમાં મત અપાવવામાં કારગર સાબિત નથી થઈ રહી. પશ્વિમ યૂપીમાં ભાજપના પ્રવક્તા ગજેન્દ્ર શર્મા કહે છે કે, પીએમ મોદી, અમિત શાહ અને સીએમ યોગીની દરેક બેઠક પર લોકપ્રિયતા છે. જેવો ક્રેઝ અમારા આ ત્રણ નેતાઓનો છે, તેવો પશ્વિમ યૂપીમાં અન્ય કોઈ ફિલ્મ હસ્તીનો નથી જોવા મળી રહ્યો.