વડા પ્રધાન મોદી જેવા દેખાતા ઉમેદવારે લખનઉમાં રાજનાથ સિંહ સામે ઉમેદવારી નોંધાવી

લખનઉ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાતા અભિનંદન પાઠક નામના એક ઉમેદવારે લખનઉ લોકસભા મતવિસ્તારમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહને ઉભા રાખ્યા છે.

રાજનાથ સિંહ 2014ની ચૂંટણીમાં લખનઉમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

અભિનંદન પાઠકને એમના મિત્રો ‘છોટા મોદી’ તરીકે ઓળખાવે છે. એમણે કહ્યું છે કે હું 26 એપ્રિલે વારાણસીમાંથી પણ વડા પ્રધાન મોદીની સામે મારી ઉમેદવારી નોંધાવીશ.

લખનઉમાં 6 મેએ મતદાન છે. રાજનાથ સિંહ 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવવાના છે.

લખનઉમાં 6 મેએ અને વારાણસીમાં 19 મેએ મતદાન થવાનું છે.

પાઠકે કહ્યું કે હું લોકોની સેવા કરવા, એમનું પ્રતિનિધિત્વ કરવા અને સંસદમાં એમનાં પ્રશ્નોની રજૂઆત કરવા માટે ચૂંટણીજંગમાં ઉતર્યો છું.

પાઠકે ગઈ કાલે વડા પ્રધાન મોદી જેવા જ અડધી બાંયના ખાદીના કુર્તાવાળા પહેરવેશમાં સજ્જ થઈને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ જઈને પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કર્યું હતું.

પાઠકે કહ્યું કે હું વડા પ્રધાન મોદીથી પ્રેરિત થયો છું, પણ એમની સરકારના નિર્ણયો મારા ગળે ઉતર્યા નથી. મન કી બાત કહેને વાલે ને મન કી બાત સુની નહીં. વડા પ્રધાને એમના વચનોનું પાલન કર્યું નથી.

પાઠક મૂળ ઉત્તર પ્રદેશના જ સહારનપુરના વતની છે, પણ વર્ષોથી લખનઉમાં માનક નગર મહોલ્લામાં રહે છે.

એમણે કહ્યું કે હું ચૂંટણી લડી શકું એટલા માટે મારી સિક્યૂરિટી ડિપોઝીટની રૂ. 25,000ની રકમ મારા વિસ્તારનાં લોકોએ જ ભેગી કરી આપી છે. હું એ સૌનો આભારી છું.

સોગંદનામા અનુસાર, પાઠક પાસે બેન્ક એકાઉન્ટમાં રૂ. 15,000 છે અને એમની પાસે રોકડ રૂ. 15,000 છે. આ આવક પોતે ધાર્મિક ક્રિયાઓ કરી આપીને કમાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]