કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે દિલ્હીમાં કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા હેડક્વાર્ટરનું નામ ઈંદિરા ભવન રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી તેનું સરનામું 24, અકબર રોડ હતું, જે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય હતું. લગભગ 46 વર્ષ બાદ આજથી નવું સરનામું ‘ઈંદિરા ગાંધી ભવન’ 9A, કોટલા રોડ છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત પાર્ટીના 400 થી વધુ નેતાઓની હાજરીમાં સવારે 10 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેનો શિલાન્યાસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ 2009માં કર્યું હતું. જે આજે 15 વર્ષ બાદ તૈયાર થઈ ચૂક્યું છે. કોંગ્રેસના નવા કાર્યાલયનો મેન ગેટ આગળથી નહીં પરંતુ પાછળના દરવાજેથી છે. તેનું કારણ ભાજપ છે. ખરેખર, ઓફિસનો આગળનો દરવાજો દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર છે. આવી સ્થિતિમાં, આ નામ સરનામાં પર આવતું હતું, તેથી પાર્ટીએ આગળના ગેટને બદલે બેકડોર એન્ટ્રી એટલે કે પાછળના દરવાજાની એન્ટ્રી પસંદ કરી, જે દરવાજો કોટલા રોડ પર ખુલે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવી ઓફિસમાં શિફ્ટ થયા પછી પણ કોંગ્રેસ તેની જૂની ઓફિસ ખાલી કરશે નહીં. અહીં મોટા નેતાઓની અવર-જવર રહેશે. કોંગ્રેસ પહેલા ભાજપે પણ તેની જૂની ઓફિસ 11, અશોક રોડ, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર નવી ઓફિસમાં શિફ્ટ કર્યા પછી પણ છોડ્યું નથી. જ્યારે બીજી બાજું ભાજપના દેશભરમાં 768 કાર્યાલય બનાવશે. તેમાંથી 563 કાર્યાલય તૈયાર છે, જ્યારે 96 પર કામ ચાલી રહ્યું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયા વર્ષે ઓગસ્ટમાં આ માહિતી આપી હતી.