નવી દિલ્હી- સોનભદ્રમાં ગઈકાલે 100 વીઘા જમીન મામલે ખેલાયેલા ખૂની ખેલમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. અને ઘાયલો હજુપણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ત્યારે આ મામલે કેટલીક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. હકીકતમાં આ મામલો માત્ર ગ્રામપ્રધાનની 100 વીઘા જમીનનો નથી. સમગ્ર મામલા પર નજર કરીએ તો અહીંની મુખ્યજાતિઓ વચ્ચે છેલ્લા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અને આ સમગ્ર ઘટનાક્રમમાં ત્રીજો પક્ષ અહીંનો મહેસૂલ વિભાગ છે જેને ઘણા વર્ષોથી આ વિવાદની જાણકારી હતી પરંતુ આંખો પર પટ્ટી બાંધી જાણે આ દિવસની જ રાહ જોવાઈ રહી હતી.
ઉમ્ભા ગામમાં 200 વીઘા જમીનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ જમીન પર કબજો કરવા માટે ગુર્જર (ભૂર્તિયા) અને ગોડ સમુદાયના લોકો અવારનવાર લડાઈ કરતા હતાં. પરંતુ અત્યાર સુધી મામલાને મધ્યસ્થી દ્વારા સમાધાન કરીને શાંત પાડી દેવામાં આવતો હતો, પરંતુ બુધવારે એવું ન બન્યું બંન્ને જાતિઓની લડાઈએ હિંસક રૂપ ધારણ કરી લીધું. આ વિવાદના કેન્દ્રમાં ઉમ્ભાના પ્રધાન મુખ્યરૂપથી સામેલ છે જેના લોકોએ જ બુધવારે હથિયારો સાથે જમીન પર કબજો કરવા આવ્યાં હતાં. ગ્રામપ્રધાનનું નામ યજ્ઞદત્તસિંહ છે. ગત વર્ષે યજ્ઞદત્તે પોતાના અને પરિવારના નામે લગભગ 100 વીઘા જમીન રજિસ્ટર કરાવી હતી. બુધવારે જ્યારે તેમનો કાફલો ખેતરો પર કબજો કરવા નીકળ્યો તો તેમનું ધ્યાન 200 વીઘા જમીન પર ખેડાણ કરવાનું હતું. આના વિરોધમાં ગોડ સમુદાયના લોકો ખેતરોને બચાવામાં લાગી અને મામલો ખૂની ખેલમાં બદલાઈ ગયો.
મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે સવારે લગભગ સવારે 11 વાગ્યાની આસપાસ યજ્ઞદત્તસિંહ તેમના માણસોને લઈને વિવાદિત ખેતરોમાં પહોંચ્યો. તેમની સાથે બે ગુર્જર સમુદાયના લોકો પણ હતાં. આ લોકોએ વિવાદિત જમીન ખેડવાનું શરુ કર્યું. આ વાતની જાણ ગોડ સમુદાયના લોકોને થતાં તેમણે વિરોધ કરવાનું શરુ કર્યું. ઘટનાની જાણ થતાં ગોડ સમુદાયના કેટલાક લોકો ખેતરોમાં એક્ઠા થયાં પરંતુ મામલો ગંભીર થતાં વધુ માણસો એક્ઠા થઈ ગયાં. ત્યારબાદ બંન્ને પક્ષના લોકો આમનેસામને આવી ગયા અને હિંસા વધી ગઈ, અને જોતજોતામાં તો ખેતરની જમીન લોહીથી રંગાઈ ગઈને ચોતરફ ખૂની ચીચયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું.
મહેસૂલ વિભાગ અને સોસાયટીનો ખેલ
ગોડ્, ગુર્જર ઉપરાંત બે અન્ય બે પક્ષ છે, જેમના ખેલે સમગ્ર મામલો બગાડી નાંખ્યો. મીડિયામાં એવી ચર્ચા છે કે, ઉમ્ભા ગામમાં 600 વીઘા જમીન આદર્શ કોઓપરેટિવ સોસાયટીના નામે છે. જોકે, આ સોસાયટીનું રજિસ્ટ્રેશન 1973માં જ સમાપ્ત થઈ ગયું હતું. ત્યારથી ખેતરોનો આટલો મોટો ભાગ એક રીતે વિવાદમાં હતો કે, તેની માલિકી કોના નામે છે. એક તરફ ગોડ સમુદાયના લોકોનું કહેવું છે કે, લાંબા સમયથી તેઓ આ ખેતરોમાં ખેતી કરે છે. તો બીજી તરફ ગુર્જર અને ગ્રામ પ્રધાન યજ્ઞદત્તના પક્ષકારોનું કહેવું છે કે, તેમણે જમીન ખરીદી લીધી છે માટે કાયદાની રીતે આ જમીન પર ખેતી કરવાનો તેમનો અધિકાર છે. આ તમામ વાતો વચ્ચે સવાલ એ થાય છે કે, મહેસૂલ વિભાગને આ વિવાદિત જમીન અંગે જાણ હોવા છતાં તેમણે આ મુદ્દે પ્રશાસનને કોઈ જાણકારી કેમ ન આપી, અથવા તો કોઈ કાયદેસરના પગલાં કેમ ન ભર્યા?
આદર્શ કોઓપરેટિવ સોસાયટીનો સંબંધ આઈએએસ અધિકારી સાથે પણ જોડાયેલો રહ્યો છે. મળતી માહિતી મુજબ 1989માં આ જમીન (કુલ 600 વીઘા) માંથી 100-100 વીઘા જમીન આઈએએસ અધિકારી, તેમની પત્ની અને પુત્રીના નામે કરી દેવામાં આવી હતી. બીજો પક્ષ યજ્ઞદત્તસિંહનો છે એમણે લગભગ 100 વીઘા જમીન પોતાના નામે ખરીદી હતી. ત્રીજો પક્ષ ગોડ સમુદાયનો છે જે વર્ષોથી આ જમીન પર ખેતી કરી રહ્યાં અને તેમની માલિકીનો દાવો કરી રહ્યાં છે. ત્રણેય પક્ષના વિવાદને કારણે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. મામલો હજુ એસડીએમ પાસે પેન્ડિંગ છે. સવાલ એ છે કે, આટલો મોટો વિવાદ જ્યારે સામે હતો અને આટલા લોકો આમાં સામેલ હતાં તો પ્રશાસન તરફથી કાર્યવાહી ઢીલ કેમ રાખવામાં આવી?