નવી દિલ્હીઃ કોરોના રોગચાળા વચ્ચે પર્યટકો માટે ખુશખબર છે. હવે તમે દેશમાં જ ગ્લાસ સ્કાય વોકનો આનંદ ઉઠાવી શકો છો. આ પહેલાં ગ્લાય સ્કાય વોક માટે ચીન જવું પડતું હતું, ચીનના હેબઈ પ્રાંતમાં એસ્ટ તૈહાંગ ગ્લાસ સ્કાય વોક છે. જોકે જે લોકોને ઊંચાઈથી ડર લાગે છે, તેમને સ્કાય વોકની મંજૂરી નથી. આવો જાણીએ સ્કાય વોક ક્યાં આગળ છે.
ક્યાં છે સ્કાય વોક
જો તમે એડવેન્ચરની મજા લેવા ઇચ્છો છો તો તમારે સિક્કિમ જવું પડશે. આ પર્યટન સ્થળ સિક્કિમ રાજ્ય પેલિંગમાં સ્થિત છે. પેલિંગ સ્થિત ગ્લાસ સ્કાય વોક ચેનરેજિગ મૂર્તિની સામે છે. આ મૂર્તિ 137 ફૂટ ઊંચી છે. આ મૂર્તિનું અનાવરણ 2018માં કરવામાં આવ્યું હતું. સિક્કિમનું આ ગ્લાસ સ્કાય વોક દેશનું પહેલું સ્કાય વોક પર્યટન સ્થળ છે. આ સ્થળથી ચેનરેજિગ મૂર્તિ અને તિસ્તા અને રંગીત નદીઓનો નજારો માણી શકાય છે.
ગ્લાસ સ્કાય વોક કરવાનો સમય સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી છે. પ્રવાસીઓ આ સમય દરમ્યાન સ્કાય વોક કરી શકે છે અને પ્રતિ વ્યક્તિ એનો ચાર્જ રૂ. 50 છે. આ સ્થળ પેલિંગથી માત્ર અઢી કિલોમીટર દૂર છે. જો કોઈ વ્યક્તિને વર્ટિગો એટલે કે ચક્કર આવવાની સમસ્યા હોય અથવા ઊંચાઈથી ડર લાગતો તો તેને જવાની મંજૂરી નથી. ગ્લાસ સ્કકાય વોકની બંને બાજુ રેલિંગ છે. પ્રવાસીઓ આ રેલિંગના સહારે સામે છેડે જઈ શકે છે. જોકે કોરોના કાળમાં ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.