બોકારોઃ ઝારખંડના બોકારોમાં શનિવારે મોહર્રમના જુલૂસને અકસ્માત થયો હતો. મોહરમ જુલૂસ દરમિયાન તાજિયા હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવી ગયા હતા, જેને કારણે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે નવ લોકોની હાલત ગંભીર છે. આ જુલૂસમાં હાજર તાજિયા 11,000 વોલ્ટના વાયરની અડફેટે આવી ગયા હતા. બીજી બાજુ ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે એક ટોળાને કરંટ લાગ્યો છે, જેમાં બેનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.
બોકારોના પોલીસ કમિશનર પ્રિયદર્શી આલોકે જણાવ્યું હતું કે આ ઘટના રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 80 કિમી દૂર પેટરવાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખેતકો ગામમાં બની હતી. જ્યારે લોખંડનો બનેલો ધાર્મિક ધ્વજ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઘટના મોહરમના જુલૂસની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બની હતી. તેમની પાસે ધાર્મિક ધ્વજ હતો અને તેનો ધ્રુવ લોખંડનો બનેલો હતો. તે કોઈક રીતે 11,000-વોલ્ટની હાઇ-ટેન્શન પાવર લાઇનના સંપર્કમાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, તમામ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી આઠને બોકારો જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ચારનાં મોત થયાં હતાં.
ધોરાજીમાં પણ તાજિયા જુલૂસમાં દુર્ઘટના
રાજકોટના ધોરાજીમાં તાજિયા ઉપાડતી વખતે 15 લોકોને કરંટ લાગ્યો છે. જેમાં ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે.
ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે એક ટોળાને કરંટ લાગ્યો છે. PGVCL ની વીજ લાઇનમાં તાજિયા અડી જતાં આ ઘટના બની હતી. 15 જેટલા લોકોને આ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
