ઠાકરેની વિનંતીને પગલે ‘બેમુદત શિર્ડી બંધ’ પાછો ખેંચી લેવાયો

શિર્ડી (મહારાષ્ટ્ર) – 19મી સદીમાં થઈ ગયેલા આધ્યાત્મિક સંત સાઈબાબાનાં જન્મસ્થાન અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરેલા નિવેદનના વિરોધમાં મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી શહેરમાં શનિવાર મધરાતથી ‘બેમુદત શિર્ડી બંધ’નો આરંભ કરવામાં આવ્યો હતો, પરંતુ એલાન કરનાર શિર્ડી ગ્રામ સભાએ બંધને પાછો ખેંચી લીધો છે. ઉદ્ધવ ઠાકરેની વિનંતીને માન આપીને બંધને આજે રવિવાર મધરાતથી પાછો ખેંચી લેવામાં આવશે. આવતીકાલથી શહેરમાં જનજીવન રાબેતા મુજબનું થઈ જશે.

સાઈબાબાનું જન્મસ્થાન પરભણી જિલ્લાના પાથરી ગામના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી રૂ. 100 કરોડની સહાયતાની ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરતાં શિર્ડી નગરનાં રહેવાસીઓ નારાજ થયા હતા અને શિર્ડી બંધનું એલાન કર્યું હતું. જો કે આ બંધ દરમિયાન સાઈબાબાનાં દર્શન ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકાયો નહોતો. મંદિર ખુલ્લું જ છે અને શ્રદ્ધાળુઓને દર્શન કરવા મળી રહ્યાં છે.

શિર્ડીનાં લોકોની નારાજગીને ધ્યાનમાં લઈને ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મુંબઈમાં આગેવાનોની એક બેઠક બોલાવી છે. ઠાકરેના આ નિર્ણયને સકારાત્મક રીતે લઈને શિર્ડી ગ્રામ સભાએ બેમુદત બંધ પાછો ખેંચી લીધો છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સાઈબાબાનું જન્મસ્થાન શિર્ડી (એહમદનગર જિલ્લો) નહીં, પરંતુ પાથરી (પરભણી જિલ્લો) છે. શિર્ડી સાઈબાબાની કર્મભૂમિ છે, જ્યારે પાથરી જન્મભૂમિ.

એમના આ નિવેદનથી શિર્ડીનાં લોકો નારાજ થયા છે. એમને એવો ડર છે કે શ્રદ્ધાળુઓ શિર્ડીમાં આવતા બંધ થઈ જશે. શિર્ડીના સાઈબાબાનાં મંદિરમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો લોકો દર્શન કરવા આવે છે. આને કારણે શિર્ડીનાં લોકોને થઈ રહેલી આવક પણ બંધ થઈ જશે. બંધમાં શિર્ડી નગર ઉપરાંત આસપાસના બે ડઝન જેટલા ગામો પણ સામેલ થયા છે. શિર્ડી ગ્રામ સભાનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે એમનું નિવેદન પાછું ખેંચે.

ઉદ્ધવ ઠાકરેએ પરભણી જિલ્લાના પાથરી ગામમાં સાઈ જન્મસ્થાન ખાતે વિકાસલક્ષી યોજનાઓ હાથ ધરવા માટે રૂ. 100 કરોડની સહાય મંજૂર કરી છે. કેટલાક શ્રદ્ધાળુઓ પાથરી ગામને સાઈબાબાનું જન્મસ્થાન ગણાવે છે. પરંતુ શિર્ડીનાં લોકોનો દાવો છે કે સાઈબાબાનું જન્મસ્થાન કયું એ વિશે હજી અચોક્કસતા પ્રવર્તે છે.

ઉદ્ધવ ઠાકરેએ એમ કહ્યું હતું કે પાથરી ગામ 19મી સદીના સંત સાઈબાબાનું જન્મસ્થાન છે. સાઈબાબાને તમામ સમુદાયનાં લોકો સંત માને છે. પાથરીમાં યાત્રાળુઓ અને પર્યટકો આવે એ માટે ગામમાં વિકાસલક્ષી યોજનાઓ માટે મહારાષ્ટ્ર સરકારે રૂ. 100 કરોડની સહાય મંજૂર કરી છે.

અગાઉ, શિર્ડી ખાતેના શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર દીપક મુગલીકરે એમ કહ્યું હતું કે શિર્ડી શહેરને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ સાઈબાબાનું મંદિર ખુલ્લું રહેશે. મંદિરમાં તમામ પ્રકારની પૂજા અને વિધિ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે અને શ્રદ્ધાળુઓ માટેની તમામ સુવિધાઓ પણ યથાવત્ રખાશે. શ્રદ્ધાળુઓને મંદિરમાં મફતમાં દર્શન કરવા મળે છે અને એમને પ્રસાદ આપવામાં આવે છે.

સ્થાનિક ભાજપ વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલનું કહેવું છે કે લોકોએ કરાવેલા બંધને મારો ટેકો છે. પાથરી સાઈબાબાનું જન્મસ્થાન છે એવું નિવેદન ઉદ્ધવ ઠાકરેએ પાછું ખેંચી લેવું જોઈએ. દેશમાં જેમ અનેક ઠેકાણે સાઈબાબાના મંદિરો આવેલા છે એવી જ રીતે પાથરીમાં પણ છે. તમામ સાઈભક્તોની લાગણી દુભાઈ છે તેથી આ વિવાદનો અંત લાવવો જોઈએ.

રાધાકૃષ્ણ વિખે-પાટીલે આ વિવાદને કોર્ટમાં લઈ જવાની ધમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે સાઈબાબાએ 102 વર્ષ પહેલાં, શિર્ડીમાં સમાધિ લીધી હતી.

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે – મહાવિકાસ આઘાડી સરકાર. આ સરકારમાં કોંગ્રેસના અશોક ચવ્હાણ જાહેર બાંધકામ ખાતાના પ્રધાન છે. એમણે કહ્યું કે સાઈબાબાના જન્મસ્થાનના વિવાદ વચ્ચે પાથરી ગામમાં વિકાસયોજનાઓને અટકાવી ન જોઈએ, કે તેનો વિરોધ કરવો ન જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]