નવી દિલ્હી- લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે મોટો હાથ માર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટની બેઠકમાં સવર્ણ જ્ઞાતિઓને 10 ટકા અનામત આપવાને લીલી ઝંડી આપી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર આવતીકાલે સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. આ બિલ અનુસાર જોકે આર્થિક રીતે નબળાં સવર્ણોને જ આ અનામતનો લાભ મળશે.
8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા સવર્ણ જાતિના લોકો આ અનામત હેઠળ આવશે. તો અનામતનો લાભ લેવા સવર્ણ જાતિના લોકોએ અહીં જણાવેલ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે.
અનામતનો લાભ લેવા માટે તમારે આવકનો દાખલો રજૂ કરવો પડશે. તમને જણાવી દઈએ કે જે સવર્ણોની વાર્ષિક આવક આવક 8 લાખ કરતાં ઓછી હોય તેમને જ આ લાભ મળશે. આ ઉપરાંત અનામતનો લાભ લેવા માટે જાતિ પ્રમાણપત્ર,બીપીએલ કાર્ડ અને પેન કાર્ડની પણ જરૂર પડશે.
તમને જણાવી દઈએ કે, આધાર કાર્ડ,બેંક પાસ બૂક અને ઈનકમ ટેક્સ રીટર્ન પણ રજૂ કરવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનામતનો વર્તમાન ક્વોટા 49.5 ટકાથી વધારીને 59.5 ટકા કરવામાં આવશે. છેલ્લાં ઘણા સમયથી આર્થિક રીતે નબળા સવર્ણો માટે અનામતની માગ કરવામાં આવી રહી હતી.
જોકે , મોદી સરકાર માટે સવર્ણોને 10 ટકા અનામત આપવાના રસ્તામાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે. અનામત આપવામાં માટે સરકારે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. જેના માટે સંસદમાં અન્ય પક્ષોના સમર્થનની પણ જરૂર પડશે.