નવી દિલ્હીઃ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર બર્ની સેંડર્સે દિલ્હી હિંસા પર ટ્રમ્પના નિવેદનની કડક નિંદા કરી છે. આના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે તેમને ટ્વીટમાં જવાબ આપ્યો છે. જો કે બાદમાં તેમણે આ ટ્વીટને ડિલીટ કરી નાંખ્યું. હકીકતમાં મીડિયા સાથે વાત કરતા સમયે જ્યારે ટ્રમ્પને દિલ્હી હિંસાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે આને ભારતનો આંતરિક મામલો ગણાવતા ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં બર્ની સેંડર્સે ટ્રમ્પના નિવેદનની ટિકા કરી હતી.
સેંડર્સે ટ્વીટમાં કહ્યું હતું કે, 20 કરોડથી વધારે મુસ્લિમ ભારતને પોતાનું ઘર કહે છે. વ્યાપક સ્તર પર મુસ્લિમો વિરુદ્ધ ફેલાયેલી હિંસામાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ટ્રમ્પે આ મામલે જવાબ આપતા કહ્યું કે, આ ભારતનો મામલો છે. આ માનવાધિકારો પર નેતૃત્વની નિષ્ફળતા છે.
ભાજપના મહાસચિવ બી.એલ. સંતોષે બર્ની સેંડર્સના ટ્વીટ પર પલટવાર કરતા પોતાના ટ્વીટમાં કહ્યું કે, અમે ભલે ગમે તેટલા નિષ્પક્ષ રહેવાનો પ્રયત્ન કરીએ પરંતુ તમે અમને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભૂમિકા નિભાવવા માટે મજબૂર કરી રહ્યા છો. હું આ કહેવા માટે માફી ઈચ્છું છું, પરંતુ આપ અમને મજબૂર કરી રહ્યા છો.
જો કે તેમણે પણ આ ટ્વીટને ડિલીટ કરી નાંખ્યું.
અમેરિકી સેનેટર એલિઝાબેથ વોરેને પણ નાગરિકતા સંશોધન કાયદાને લઈને પ્રદર્શન કરી રહેલા લોકો વિરુદ્ધ હિંસાની કડક નિંદા કરી છે. આ હિંસામાં અત્યારસુધીમાં કુલ 34 લોકોના મોત થયા છે અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે.