નવી દિલ્હી- ફ્રાંસ સાથે કરવામાં આવેલી રાફેલ ડીલ પર રાજકીય ઘટનાક્રમ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં કેન્દ્ર સરકાર પાસે વિમાનની કિંમત, તેના ફાયદા અને ઓફસેટ પાર્ટનર પસંદ કરવાની પ્રક્રિયાની વિગતો બંધ કવરમાં માગી છે.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની ખંડપીઠે રાફેલ ડીલ અંગે સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને રાફેલની કિંમત, નિર્ણય લેવાની પ્રક્રિયા અને ઓફસેટ પાર્ટનર પસંદ કરવાની પ્રક્રિયા સંબંધિત વિગતો સીલ બંધ કવરમાં 10 દિવસમાં આપવા જણાવ્યું છે.
એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે ઓફિશિયલ સિક્રેટ એક્ટનો હવાલો આપતા જણાવ્યું હતું કે, આ માહિતી સાર્વજનિક કરી શકાય નહીં. જે અંગે કોર્ટે જણાવ્યું કે, જો આવું હોય તો સરકાર એફિડેવિટ દ્વારા પોતાની તકલીફ જણાવે. કોર્ટ તે અંગે વિચાર કરશે.
અરજીકર્તા પ્રશાંત ભૂષણ દ્વારા રાફેલ વિમાન સોદાની CBI તપાસ કરવાની માગણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ માટે તમારે રાહ જોવી પડશે. કેસની આગામી સુનાવણી 14 નવેમ્બરે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 10 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રાફેલ ડીલ સંબંધિત જાણકારી માગી હતી. જે અંગે કેન્દ્ર સરકાર તરફથી 36 રાફેલ વિમાનની ખરીદ પ્રક્રિયા વિશે એક નોટ આપવામાં આવી હતી. જેના પર કોર્ટે કહ્યું હતું કે, તેમાં કોઈ માહિતી એવી નથી જેને જનતા સમક્ષ રજૂ કરી શકાય.