મુંબઈઃ દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરે કોરોના વાઇરસ સામેની લડાઈમાં રૂ. 50 લાખની રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. પાછલા ઘણા દિવસોથી ક્રિકેટપ્રેમીઓમાં અને સામાન્ય લોકો અને સોશિયલ મિડિયામાં ચર્ચા ચાલી રહી હતી કે કરોડો-અબજો રૂપિયા કમાનારા ક્રિકેટરો, ફિલ્મ અભિનેતાઓ-અભિનેત્રીઓ, રાજકારણીઓએ કોરોનાના પ્રકોપ સામે ડોનેશન કેમ જાહેર નથી કર્યાં. જોકે મોડે-મોડે પણ સચિન તેન્ડુલકરે બધાને સંદેશ મોકલ્યો છે.
સચિનની દાનની રકમ સ્પોર્ટ્સ ક્ષેત્રે સૌથી વધુ
ભારતીય સ્પોર્ટ્સ હસ્તીઓ દ્વારા કોરોનાની સામેની લડાઈમાં સચિન તેન્ડુલકરની ડોનેશનની રકમ સૌથી વધુ છે. આ જાહેરાત અંતર્ગત સચિન રૂ. 25-25 લાખની રકમ વડા પ્રધાન રાહત ફંડ અને મુખ્ય પ્રધાન ફંડમાં આપશે. તેમના નિર્ણય વિશે માહિતી સૂત્રે જણાવતાં કહ્યું હતું કે સચિન બંને ફંડોમાં તેમનો ફાળો આપવા ઇચ્છતા હતા.
સચિન હંમેશાં ચેરિટી કામોથી જોડીયેલા રહે છે અને કેટલાય પ્રસંગોએ તેણે સામાજિક કાર્યોમાં આર્થિક યોગદાન આપ્યું છે. જોકે સચિનને હંમેશા સામાજિક કાર્યોનું શ્રેય લેવાનું પસંદ નથી. સચિન પહેલાં પઠાણબંધુઓ, પહેલવાન બજરંગ પૂનિયા સહિત અનેય ખેલાડીઓએ પોતપોતાના હિસામે રકમ દાન કરવાની જાહેરાત કરી છે.
સેલિબ્રિટીઝ દાન આપવામાં હજી પાછા પડે છે
વિશ્વઆખું કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે. આ રોગ 195 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિકસિત દેશ અમેરિકામાં અનેક વેપારજગત અને હોલિવુડની અનેક હસ્તીઓએ દાનનો ધોધ વહેડાવ્યો છે, ત્યારે સોશિયલ મિડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે આપણા ક્રિકેટ જગતના ખેલાડીઓ, બોલિવુડ કે પછી ઉદ્યોગજગત, રાજકારણીઓ, રાજકીય પક્ષો કે દેશભરમાં આવેલાં મંદિરો દાનની જાહેરાત કરવામાં આટલા ઊણા કેમ ઊતરે છે અથવા તો તેમની પાસેના કરોડો રૂપિયા હોવા છતાં તુચ્છ રકમ કેમ આપે છે?
આશા રાખીએ કે સચિનની જેમ અનેક હસ્તીઓ દાન આપવામાં પાછળ નહીં પડે.