નવી દિલ્હીઃ દેશમાં ધનતેરસ હર્ષોઉલ્લાસથી ઊજવવામાં આવી રહી છે. ધનતેરસે દેશમાં આશરે રૂ. 50,000 કરોડના રિટેલ વેપારનો અંદાજ છે, એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકથી સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું.
ધનતેરસે સિદ્ધિ વિનાયક, શ્રી ગણેશ, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે નવી વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સોના-ચાંદીના આભૂષણ, વાસણો, રસોઈના માલસામાન, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવાની પરંપરા છે. આ દિવસે ઝાડુ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે.
આ ધનતેરસે સોના અને ચાંદીનું વેચાણ જોવા મળ્યું હતું. આશરે 25 સોના ટન સોના અને 250 ટન ચાંદીનું વેચાણ થયું છે, જેનું મૂલ્ય રૂ. 20,000 કરોડ અને રૂ. 2500 કરોડ છે. સોના અને ચાંદીની કિંમતો ગયા વર્ષની તુલનાએ આ વર્ષે નોંધપાત્ર વધી છે. જેનાથી વજનમાં ઘટાડો થયા છતાં વેચાણ વધ્યું છે. જૂના ચાંદીના સિક્કાની ભારે માગ રહી છે, એમ ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ કહ્યું હતું.
ધનતેરસના દિવસે સોનું ઓલટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના ડેટા મુજબ 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 601 વધીને રૂપિયા 78,846 થયો છે. અગાઉ સોનું 78,245 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું તેમ જ ચાંદીની કિંમત પણ 1152 રૂપિયા વધીને 97,238 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.