પટના: દિલ્હીના રાણી ઝાંસી રોડ નજીક અનાજ મંડીમાં આવેલી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 43 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલને જોતા મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે. મૃતકો તેમજ ઘાયલોમાં મોટાભાગના લોકો બિહારના છે. આ ઘટનાને પગલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહાર સાથે સંબંધ ધરાવનારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 2-2 લાખ રુપિયા સહાયની જાહેરાત કરી. આ દરમ્યાન ઘટનાને લઈને રાજકારણ પણ શરુ થઈ ગયું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે ઘટનાને લઈને શોક વ્યક્ત કરતા કહ્યું કે, એક લાખ રુપિયા શ્રમ વિભાગ તરફથી અને બાકીના એક લાખ રુપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી બિહારના મૃતકોના પરિવારને આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિલ્હી સ્થિત બિહારના સ્થાનિક કમિશ્નર અને જોઇન્ટ લેબર કમિશ્નર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ શક્ય એટલી મદદ પહોંચાડવા નિર્દેશ આપ્યા છે. તો બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આ અગ્નિકાંડ માટે ફેકટરી માલિક તેમજ મકાન માલિકને જવાબદાર ગણાવ્યા છે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સમગ્ર ઘટનાની મેજિસ્ટેરિયલ તપાસના આદેશ આપ્યા અને જણાવ્યું કે દિલ્હી સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 10-10 લાખની સહાય આપવામાં આવશે. જ્યારે કે ઘાયલોને રૂપિયા 1-1 લાખની વળતર ચુકવાશે. તો બીજી તરફ પીએમ મોદીએ વડાપ્રધાન રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી. જ્યારે કે ઘાયલોને 50-50 હજારની વળતર આપવાનું એલાન કર્યું. આ તરફ ભાજપે મૃતકોના પરિવારને રૂપિયા 5-5 લાખની મદદ કરવાની જાહેરાત કરી છે.