આવશે 100 રૂપિયાની નવી નોટ, અન્ય ચલણી નોટ કરતાં આમ હશે અલગ

નવી દિલ્હી- ભારતીય રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( આરબીઆઇ) ટૂંકસમયમાં જ 100 રૂપિયાની નવી અને નોટ બહાર પાડશે. આરબીઆઇએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે જલદી જ 100 રૂપિયાની વાર્નિશ નોટ માર્કેટમાં આવશે. નવી નોટ પર વાર્નિશ લાગેલુ હોવાથી તે જલદીથી ફાટી નહીં જાય અને ખરાબ પણ નહીં થાય. નવી શરુઆતમાં ટ્રાયલ બેઝ પર બહાર પાડવામાં આવશે. વાર્નિશ નોટનો દુનિયામાં ઘણાં દેશોમાં ઉપયોગ થઇ રહ્યો છે. એના સારા અનુભવને જોતાં રિઝર્વ બેંકે દેશમાં એને અજમાવવાનો નિર્ણય કર્યો છે. હાલ એની શરૂઆત 100 રૂપિયાની નોટથી થશે.

શું છે વાર્નિશ?

આપણાં ઘરમાં લાકડાના ફર્નિચર પર આપણે એક ચમકદાર અને પારદર્શી લેયર ચઢેલું જોઇએ છીએ, જેનાથી એ લાંબા સમય સુધી ટકી રહે છે. એવી જ રીતે આ નોટ પર પણ વાર્નિશનું એક પાતળું લેયર ચઢેલું હશે, જે એને ગંદકીથી બચાવશે અને નોટ જલદી ખરાબ નહીં થાય. નોટ પ્રિન્ટિંગ બાદ એની પર વાર્નિશ કરવામાં આવે છે જો કે એનાથી નોટ બનાવવાનો ખર્ચ વધી જશે.

હાલની નોટ જલદી ખરાબ થઇ જાય છે. જલદીથી ફાટી જાય છે અથવા મેલી થઇ જાય છે. રીઝર્વ બેંકને દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગંદી કાપેલી ફાટેલી નોટ રિપ્લેસ કરવી પડે છે. સામાન્ય રીતે પાંચમાંથી એક નોટ દર વર્ષે હટાવવી પડે છે. જેના પર એક મોટી રકમ ખર્ચ થાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દુનિયાના ઘણાં દેશ પ્લાસ્ટિક નોટનો ઉપયોગ કરે છે.

નોટ છાપવાના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે

ભારતીય રીઝર્વ બેંક તરફથી મળેલી જાણકારી અનુસાર, 10 રૂપિયાની એક નોટ છાપવામાં 70 પૈસાનો ખર્ચ થાય, જ્યારે 2000 રૂપિયાની એક નોટ છાપવામાં 4.18 રૂપિયાનો ખર્ચ થાય છે. બંને નોટના મૂલ્યમાં બહુ મોટો તફાવત છે. ચલણી નોટ છાપવામાં ઉપયોગ થતાં કાગળની કીમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ 10 રૂપિયાની કિંમતની એક નોટ 40 પૈસામાં છપાતી હતી.