નવી દિલ્હી- #MeToo કેમ્પેઈન હેઠળ 20થી વધુ મહિલાઓએ કરેલા દુષ્કર્મના આરોપ બાદ હવે બીજેપીના સાંસદ એમ.જે. અકબર પર વધુ એક મહિલા પત્રકારે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. અમેરિકામાં રહેતી આ પત્રકાર પલ્લવી ગોગોઈએ એશિયન એજમાં કામ કરતી વખતે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, એમ.જે. અકબર એ સમયે તેના બોસ હતા.એક રિપોર્ટ અનુસાર પલ્લવીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, જયપુરની એક હોટલમાં એમ.જે. અકબર તેની સાથે કોઈ સમાચાર પર ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે અકબરે પલ્લવીને હોટલ રુમમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
વધુમાં પલ્લવીએ જણાવ્યું કે, ‘પોલીસમાં ફરિયાદ કરવાને લઈને હું વધુ મુંઝવણ અનુભવી રહી હતી. મેં આ ઘટના અંગે કોઈને જણાવ્યું નહીં. શું કોઈએ મારી વાત પર વિશ્વાસ કર્યો હોત ખરો? મેં મારી જાતને દાષી માની કે હું હોટલના રુમમાં કેમ ગઈ હતી’?
પલ્લવીએ કહ્યું કે, બે અઠવાડિયા પહેલા અકબર તેના વિદેશ રાજ્યપ્રધાનના પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. તેમણે અન્ય મહિલા પત્રકારો દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. અને એક ફરિયાદી સામે તેઓ કોર્ટમાં પણ ગયા છે.
પલ્લવી એ કહ્યું કે, મને આશ્ચર્ય નથી કે તેઓ પોતાની વાતને સત્ય સાબિત કરવા પ્રયાસ કરી રહ્યાં છે. મને આજે કહીને કંઈજ મળશે નહીં. પરંતુ જે મારી સાથે બન્યું તે નિરાશાજનક હતું અને નજીકના લોકો મારા દુઃખને સમજી શક્યા.