દર્શકો આનંદો!
સોરી વાચકમિત્રો, આજે દુનિયા તેમજ દેશ પર છવાયેલા કોરોના વાયરસના પ્રકોપમાં આનંદો લખવું ઘણું અજૂગતું છે. પરંતુ વાત જ કંઈક એવી છે!
કોરોના વાયરસનો ચેપ વધુ લોકોમાં ના ફેલાય, એ હેતુથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ દેશમાં 21 દિવસ માટે લૉકડાઉનનો આદેશ આપ્યો છે. તો આ દિવસોમાં મહિલાઓ તો ઘરકામમાં વ્યસ્ત થઈ જાય છે. પ્રશ્ન છે, નાના બાળકો, યુવાનો તેમજ નોકરિયાત પુરુષોનો, જેઓ ઘરમાં રહીને કંટાળી જાય છે.
તો સહુ માટે સારા સમાચાર એ છે કે, 28 માર્ચ, 2020 શનિવારથી રોજ સવારે અને રાત્રે રામાનંદ સાગર નિર્મિત ‘રામાયણ’ના એક એક એપિસોડ દૂરદર્શનની નેશનલ ચૅનલ પરથી પ્રસારિત કરવામાં આવશે જેને એક એપિસોડ આપણે બધાએ આજે જોયો.
લૉકડાઉન નિમિત્તે ઘરે રહેલાં કેટલાંક યુઝર્સે સોશિયલ મીડિયા પર રામાનંદ સાગરની ‘રામાયણ’ અને બી.આર.ચોપડાની ‘મહાભારત’ સિરિયલનું ફરીથી પ્રસારણ કરવાની માગણી કરી અને એમની માગણી પૂરી થઈ!
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને જાહેરાત કરી કે, ‘અમને જણાવતાં ખુશી થાય છે કે, લોકોની માગણીને ધ્યાનમાં રાખીને અમે રામાયણ સિરિયલનું ફરીથી પ્રસારણ આજથી દૂરદર્શનની નેશનલ ચૅનલ પર સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી એક એપિસોડ અને બીજા એપિસોડનું પ્રસારણ એ જ દિવસે રાત્રે 9 વાગ્યાથી 10 દરમ્યાન કરવામાં આવશે.
રામાનંદ સાગરની ‘રામાયણ’નું પહેલું પ્રસારણ વર્ષ 1987માં પહેલીવાર દૂરદર્શન પરથી થયું હતું. તેમજ બી.આર.ચોપડાની ‘મહાભારત’નું પ્રસારણ વર્ષ 1988માં દૂરદર્શન પર પહેલીવાર થયું હતું. ‘રામાયણ’ અને ‘મહાભારત’ સિરિયલ લોકો તલ્લીન થઈને જોતાં. એ સમય દરમ્યાન બહાર રસ્તાઓ પણ તદ્દન સૂમસામ થઈ જતા, જાણે કર્ફ્યુ ના લાગ્યો હોય! નેતાથી લઈને મોટા અધિકારીઓ સુદ્ધાં આ સમયે કોઈનો ફોન ઉપાડતા નહોતા!
‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલીયા જ્યાં પણ જતા ત્યાં લોકો એમને પગે લાગતા. આજે પણ દીપિકા ચિખલીયાને લોકો સીતાના રૂપમાં જ યાદ કરે છે. દારા સિંહને હનુમાનના પાત્રમાં લોકોનો સ્નેહ મળ્યો, તો અરવિંદ ત્રિવેદી પણ રાવણના પાત્રમાં ઘેર ઘેર પ્રચલિત હતા.
આ સાથે જ મહાભારત સીરિયલની પણ શરુઆત થઈ ગઈ છે. આ સીરિયલ રોજ બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે દૂરદર્શન પર બતાવવામાં આવશે. બીઆર ચોપડાની મહાભારત સીરિયલ ટેલીવિઝન જગતના કેટલાક લોકપ્રિય ચહેરાઓ સાથે હતી કે જેમાં નીતિશ ભારદ્વાજ, પુનીત ઈસ્સર, રુપા ગાંગુલી, પંકજ ધીર, મુકેશ ખન્ના, ગજેન્દ્ર ચૌહાણ સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે.
હવે જ્યારે દેશ 21 દિવસના લોકડાઉનમાં છે ત્યારે લોકપ્રિય સીરિયલ પોતાના દર્શકો માટે અલગ અલગ ઉપાયો કરી રહ્યા છે.