રેલવેને નવા ઇકોનોમી AC-3 કોચથી મબલક કમાણી

નવી દિલ્હીઃ રેલવે આવક વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. રેલવેએ નવા ઇકોનોમી એસી-3 કોચ (AC-3)થી પહેલા વર્ષે રૂ. 231 કરોડની કમાણી કરી છે. આ કોચના પ્રારંભથી સામાન્ય એસી-3 શ્રેણીના કોચથી થનારી કમાણીને કોઈ અસર નથી પડી. ઇકોનોમી એસી-3 કોચ સસ્તી એર કન્ડિશનર રેલ યાત્રા સર્વિસ છે.

રેલવેએ ઇકોનોમી એસી-3 કોચનો પ્રારંભ શયનયાન શ્રેણીના યાત્રીઓને સૌથી સારી અને સૌથી સસ્તી એસી યાત્રા સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે થઈ હતી. આ કોચનું ભાડું સામાન્ય એસી-3 સર્વિસની તુલનાએ 6-7 ટકા સુધી ઓછું છે. 21 લાખથી વધુ લોકોએ એસી-3 ટિયર ઇકોનોમી શ્રેણીથી યાત્રા કરી, જેથી રેલવેએ ઓગસ્ટ, 2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રૂ. 231 કરોડની કમાણી કરી હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે આ કોચનો પ્રારંભ રેલવે માટે મુશ્કેલ હતો. રેલવે માટે એનું ભાડું નક્કી કરવું મુશ્કેલ હતું,કેમ કે ભાડું વધુ રાખવાનું નથી. ભાડું નક્કી કરવા માટે એ વાતનું ધ્યાન રાખવાનું હતું કે એસી-3 ટિયરને નુકસાન ના થાય. જોકે એપ્રિલ-ઓગસ્ટ 2022 દરમ્યાન નવા ઇકોનોમી કોચથી 15 લાખ લોકોએ યાત્રા કરી અને એનાથી રૂ. 177 કરોડની કમાણી થઈ હતી.રેલવે અધિકારીઓનું માનવું છે કે આ પ્રયોગ સફળ રહ્યો છે. આ સમયગાળામાં સામાન્ય એસી-3 શ્રેણીમાં યાત્રીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નહોતો. આ જ સમયગાળામાં સામાન્ય એસી-3 શ્રેણીથી રેલવેને રૂ. 8240 કરોડની કમાણી કરી હતી. નવા એસી-3 ઇકોનોમી શ્રેણીના કોચોમાં 83 સીટો છે, જ્યારે સામાન્ય એસી-3 કોચમાં 72 સીટો હોય છે.