નવી દિલ્હી – 17મી લોકસભાની રચના માટે આજે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન થઈ રહ્યું છે. સાત-ચરણની ચૂંટણીનો આજે આ સાતમો અને આખરી રાઉન્ડ છે. 23 મેએ મતગણતરી અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે.
શાસક ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ બંને પાર્ટીનાં નેતાઓ જીત માટે આશાવાદી છે.
બીજી બાજુ, વિપક્ષી નેતાઓમાં એકબીજાને મળીને મંત્રણા કરવાનું ચાલુ છે તેથી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવા ગયા હતા.
એ પહેલાં રાહુલ ગાંધીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ સાથે પણ મુલાકાત કરી હતી.
રાહુલ અને મુખરજીની મીટિંગનું ઘણું મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે.
મુખરજી કોંગ્રેસના દિગ્ગજ વ્યૂહબાજ રહ્યા છે.
કહેવાય છે કે રાહુલ ગાંધી એમની પાસે કોઈક સલાહ-સૂચન મેળવવા ગયા હતા.
સોનિયા ગાંધીએ બોલાવી છે 21 વિરોધ પક્ષોનાં નેતાઓની મીટિંગ
દરમિયાન, કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ અને રાયબરેલીમાં કોંગ્રેસનાં ઉમેદવાર સોનિયા ગાંધીએ પણ વિપક્ષી નેતાઓને મળવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળે એવી સ્થિતિ સર્જાય તો સંભવિત ગઠબંધન સરકાર માટે સોનિયા પ્રયાસ કરી રહ્યાં હોય એવું મનાય છે. એમણે 23 મેએ, પરિણામના જ દિવસે અનેક વિપક્ષી નેતાઓ સાથે દિલ્હીમાં મીટિંગ બોલાવી હોવાનો અહેવાલ છે. એમાં હાજર રહેવાનું ઘણા વિપક્ષી નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા બાદ સોનિયા ગાંધી યુનાઈટેડ પ્રોગ્રેસીવ અલાયન્સ (યુપીએ) ગ્રુપના સમન્વયની કામગીરી સંભાળી રહ્યાં છે.