નવી દિલ્હી- જમ્મુ કશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યાં છે. આ બંને આતંકીઓમાંથી એક આતંકી એ હતો જેની કારનો 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલામાં ઉપયોગ થયો હતો. લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી. આ ઉપરાંત પુલવામા IED બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળોનો દાવો છે કે, પુલવામા હુમલામાં સામેલ અંતિમ આતંકી હતો જેને ઠાર કરી દેવાયો છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારની સવારે અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન જેશ એ મોહમ્મદના આતંકી સજ્જાદ બટને મોતને ઘાટ ઉતાર્યો છે. સજ્જાદ ભટ્ટની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા વખતે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સેનાએ અન્ય એક આતંકીને પણ ઠાર કર્યો છે. ઠાર કરાયેલ આતંકી ગત સોમવારે એટલે કે, 17 જૂને એટલે કે ગઈકાલે પુલવામામાં સેનાની ગાડીમાં થયેલા IED બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. હાલ સુરક્ષાદળો તરફથી પુલવામા અને અનંતનાગમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ પુલવામા આત્મઘાતી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના 40થી વધુ જવાનો શહીદ થયા હતાં. જમ્મુ કશ્મીરમાં અત્યાર સુધીનો આ સૌથી ભયાનક આતંકી હુમલો હતો. આતંકી સંગઠન જેશ એ મોહમ્મદે આ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી.